અવર-જવરના રસ્તે બિલ્ડર અને પૂજારીએ દીવાલ બનાવતા તંત્રવાહકોને અનેક વખત રજૂઆતો કરી હતી
ભાનુપ્રસાદ વણકર બાદ પાટણમાં બીજો બનાવ
હોરર ફિલ્મ જેવું દૃશ્ય જોઈ અવર-જવર કરતા વાહનચાલકો, દુકાનદારો ડઘાઈ ગયા, કંતાનો અને ધાબળા નાંખી લોકોએ શરીર પરની આગ ઠારી, ૭૦ ટકા યુવાન દાઝી ગયો, નાજુક હાલતમાં અમદાવાદ ખસેડાયો

પાટણ, તા.ર૯
પાટણના રેલવે સ્ટેશન રોડ ઉપર મંદિરના પુજારી અને બિલ્ડર દ્વારા અવર-જવરના રસ્તા ઉપર દબાણ કરી દીવાલ બનાવતા જવાબદાર સત્તાધિશોને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં કરતા આજે એક યુવાને શરીર ઉપર પેટ્રોલ છાંટી શહેરના હાર્દસમાન રેલવે સ્ટેશન રોડ ઉપર દોડ લગાવતા ભારે અફરાતફરી સાથે હોરર ફિલ્મના દૃશ્યો સર્જાયા હતા. જાહેર માર્ગ ઉપર સળગતી હાલતમાં દોટ લગાવનાર યુવાન ઉપર કેટલાક યુવાનોએ કંતાન અને ધાબળા નાખી આગ ઠારી ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડ્યો હતો. જો કે, આ યુવાન સમગ્ર શરીરે ૭૦ ટકા જેટલો સળગ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાટણના રેલવે સ્ટેશન રોડ ઉપર મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુમાં રામજી મંદિર પાસેની ગલીમાં કેટલાક શ્રમજીવી પરિવારો રહે છે. કેટલાક બિલ્ડરો દ્વારા મંદિરના પાછળના ભાગે દબાણ કરી કોમ્પ્લેક્ષ બનાવવામાં આવી રહ્યું છે. જે દરમ્યાન બિલ્ડરો અને મંદિરના પુજારી દ્વારા દબાણ કરી શ્રમજીવી પરિવારોના અવર-જવર રસ્તા ઉપર દીવાલ બનાવવામાં આવી છે. આ દીવાલને કારણે સ્થાનિક પરિવારોને અવર-જવરમાં તકલીફ પડે છે તેમજ ગલી નાની બનતા મૈયતના સમયે નનામી પણ ન નીકળી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગેરકાયદેસર રીતે દબાણ કરી બનાવેલ આ દીવાલનું દબાણ તોડવા માટે અથવા જમીનની માપણી કરવા ચંદુજી અમુજી ઠાકોર દ્વારા નગરપાલિકાના સત્તાધીશો તેમજ જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆતો કરી હતી. તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દરમ્યાન આજે મંદિરના પુજારી કોન્ટ્રાક્ટર અને બિલ્ડરો સાથે ચંદુજીએ આ દીવાલ ગેરકાયદેસર છે અથવા પામણી કરાવો તેમ કહેતા ચકમચ જરી હતી. આ માથાકુટ બાદ ચંદુજી ઠાકોરે પેટ્રોલ લાવી સમગ્ર શરીર ઉપર પેટ્રોલથી સ્નાન કરી આગ ચાંપી રેલવે સ્ટેશન રોડ ઉપર દોટ લગાવી હતી. હોરર ફિલ્મ જેવું આ દૃશ્ય જોઈ અવરજવર કરતા વાહનચાલકો, દુકાનદારો ડઘાઈ ગયા હતા અને કેટલાક યુવાનો ભડભડ સળગતા તેમજ અગ્નજ્વાળાઓમાં લપેટાયેલ ચંદુજીને બચાવવા કંતાનો અને ધાબળા લઈ પાછળ દોડ્યા હતા અને છેક રાજમહેલ રોડ પરના વળાંક પાસે પેટ્રોલ પંપ નજીક તેના ઉપર કંતાનો અને ધાબળા નાખી આગ ઓલવી હતી. ગંભીર રીતે દાઝી ગયેલ ચંદુજી ઠાકોરને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમા ખસેડ્યો હતો. પરંતુ સમગ્ર શરીરે ૭૦ ટકાથી વધુ પ્રમાણમાં સળગી જતા અને હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પાટણ શહેરમાં અગાઉ ભાનુપ્રસાદ વણકરે ન્યાય મેળવવા અગ્નિસ્નાન કરી જાત જલાવી હતી. ત્યારબાદ આજે ફરી ન્યાય મેળવવા એક યુવાને અગ્નિસ્નાન કરતાં ખળભળાટ મચ્યો છે.

(તસવીર ઈલ્મુદ્દીન સૈયદ, પાટણ)