પાટણ, તા.રપ
પાટણના સંખારી રોડ પર ઈસ્લામપુરા ગામ નજીક ગતરાત્રે સ્વીફ્ટ ડિઝાયર ગાડીએ રિક્ષાને ટક્કર મારતા રિક્ષાચાલક અને મહિલાનું મોત નિપજ્યું હતું, જ્યારે બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી. આ અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ પાટણ ખાતે બુકડીમાં આવેલ જુમ્મા મસ્જિદ પાસે રહેતા પઠાણ પરિવારની મહિલાઓ રિક્ષામાં અમદાવાદ ખાતે સંબંધીના ઘરે ગયા હતા, જ્યાંથી પરત પાટણ આવી રહ્યા હતા, ત્યારે પાટણથી ર૦ કિ.મી. દૂર સંખારી રોડ પર ઈસ્લામપુરા ગામ નજીક સામેથી પૂરઝડપે આવી રહેલ સ્વીફ્ટ ડિઝાયર ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દઈ રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ રિક્ષાચાલક બસીર ફકીર મહંમદ ઉર્ફે મોહસિન મનસુરી, કુલસમબીબી શઈદખાન પઠાણ, શાહીનબાનુ ઈરફાનખાન પઠાણ અને હનીફાબીબી પઠાણને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રિક્ષાચાલક મોહસિન મનસુરી અને કુલસમબીબી પઠાણનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં પરિવારજનો તથા બુકડી વિસ્તારના લોકો ઘટનાસ્થળે અને ધારપુર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ ગંભીર રીતે ઘાયલ રિક્ષાચાલક અને મહિલાને બચાવવા ભારે જહેમત કરી હતી પરંતુ તેઓના પ્રયત્નો સફળ થયા ન હતા. બંનેનાં મોતથી ગુલશનનગર અને બુકડી વિસ્તારમાં શોકની લાગણી છવાઈ હતી અને આજે નીકળેલ જનાઝામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.