(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૧૬
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની ઈફેક્ટ ગુજરાતમાં સર્જાતા સરકાર દ્વારા અગમચેતીના પગલા ભરવામાં આવ્યા છે જેના ભાગરૂપે પાટણ શહેરની ખાનગી હોસ્પિટલો, જિલ્લા અદાલત, એસ.ટી. સ્ટેશન તથા સરકારી કચેરીમાં સ્વચ્છતા જાળવવા અને સેનિટાઈઝરથી હાથ ધોઈને પ્રવેશ આપવાની કામગીરી આરંભાઈ છે.
ગુજરાતમાં સાવચેતીના ભાગરૂપે ૧પ દિવસ માટે શાળા-કોલેજ બંધ કરી દેવાઈ છે તેમજ થિયેટરો, મલ્ટીપ્લેક્સ મોલમાં પણ સાવચેતી રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે ત્યારે પાટણ શહેરમાં કોરોના ઈફેક્ટને લઈને સ્થાનિક તંત્ર સજાગ બન્યું છે અને જાહેર ખાનગી હોસ્પિટલો, બસ સ્ટેશન, જિલ્લા અદાલત સહિતના જાહેર ક્ષેત્રોમાં સ્વચ્છતા જાળવવા તેમજ શરદી, તાવ, ખાંસીના દર્દીઓથી સાવચેતી રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓ મુજબ આજે પાટણ એસ.ટી. બસ સ્ટેશનમાં ગંદો કચરો દૂર કરી દેવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તદુપરાંત પાટણ ડેપોની તમામ બસોની સાફ-સફાઈ કરી તેને કેમિકલ પ્રોસેસ વડે ધોઈને જે બસ સ્ટેશનમાં મૂકવામાં આવી હતી. બસોની અંદર કોઈપણ પ્રકારની ગંદકી ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
પાટણ જિલ્લા અદાલત ખાતે આજથી કોર્ટ સંકુલમાં આવતા વકીલો, અસીલો, સેનિટાઈઝર વડે હાથ સાફ કરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો અને જરૂરી હોય તો જ કોર્ટ સંકુલમાં પ્રવેશ કરવો તેમ પણ જણાવાયું હતું.
પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓમાં શરદી, ખાંસી, તાવથી પ્રભાવિત હોય તેઓનું ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ ૧પ પથારીનો સ્પે. આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોના શંકાસ્પદ લક્ષણો જાણાતા દર્દીઓ માટે પણ ૧પ પથારીનો કોરેનટાઈન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.