(સંવાદદાતા દ્વારા)
પાટણ, તા.૩
૫ાટણ શહેર સહિત જિલ્લામાં લોકડાઉન બાદ અનલોક-૧ અને રમાં કોરોના ઘાતક બની રહ્યો છે. કોરોનાના આ કહેર સામે જિલ્લાનું આરોગ્યતંત્ર અને ધારપુર સિવિલ હોસ્પિટલની સેવાઓ પાંગળી પુરવાર થઈ હોવાના આક્ષેપો સાથે રજૂઆતો થતાં ગુજરાતના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે અને જિલ્લાના કોરોના માટે નિમાયેલા પ્રભારી સચિવ મમતા વર્મા આજે પાટણ શહેર સહિત કોરોના સંક્રમિત વિસ્તારોની મુલાકાતે દોડી આવ્યા હતા અને પાટણના વિવિધ કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારોની મુલાકાત લઈ દર્દીઓના પરિવારજનોને મળતી આરોગ્યલક્ષી સેવાઓની પૂછપરછ કરી હતી. પાટણ જિલ્લામાં અત્યાર સુધી ર૪૦ પોઝિટિવ કેસ અને રપ દર્દીઓનાં મોત થયા છે. પાટણમાં ૧૧૩ કેસ સાથે ૧૪ દર્દીઓનાં મોત થયા છે. ત્યારે કોરોનાની વિસ્ફોટક બનેલી આ પરિસ્થિતિનો તાગ મેળવવા પાટણની મુલાકાતે આવેલ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે અને મમતા વર્માની ટીમે આસોપાલવ સોસાયટી, દ્વારકાપુરી, મીરા દરવાજા સહિત શહેરના વિવિધ કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની મુલાકાત લીધી હતી અને પોઝિટિવ દર્દીઓના પરિવારજનો, પાડોશીઓને આરોગ્યની ટીમો દ્વારા રોજેરોજ મળતી સારવાર અંગેની પૂછપરછ કરી હતી અને સાથે રહેલ જિલ્લા આરોગ્ય અધિકારીને કેટલીક સૂચનાઓ આપી હતી. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા આરોગ્યના અધિકારીઓ, વહીવટીતંત્ર સાથે પાટણ શહેર સહિત જિલ્લામાં વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ મૃત્યુઆંકને અંકુશમાં લેવા આરોગ્યની સેવાઓ અને ડોર ટુ ડોર સર્વેની કામગીરી પર વધુ ધ્યાન આપવા સૂચનાઓ આપી સમીક્ષા કરી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી પારેખ, જિલ્લા આરોગ્યના અધિકારીઓ સાથે રહ્યા હતા.
પાટણમાં કોરોના બેકાબૂ બનતા રાજ્ય આરોગ્ય કમિશનર સંક્રમિત વિસ્તારોની મુલાકાતે

Recent Comments