પાટણ,તા.ર૧
પાટણ નજીક આવેલ સુજનીપુર ગામની ગૌચર જમીનના બિનઅધિકૃત દબાણો ખાલી કરાવવાની માંગ સાથે રપથી વધુ પશુપાલકો આત્મવિલોપનની તૈયારી સાથે પશુધન લઈ પાટણ ખાતે કલેકટર કચેરીએ આવવા નીકળ્યા હતા. જેની જાણ પોલીસને થતા સુજનીપુર સબજેલ નજીક ઘેરો નાખી અટકાવતા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પાટણ તાલુકાના સુજનીપુર ગામે ૭૦૦ વીઘા ગૌચર જમીન આવેલી હતી. આ જમીનમાં વર્ષ ર૦૦૧નાં તે સમયના સરપંચ દ્વારા ૩૬૭ પૈકીની જમીન નિગમમાં સરકારી પડતર ફાળવી કબજે કરી હતી. આ ઉપરાંત અન્ય પ૦૦ વીઘા જેટલી ગૌચર જમીનમાં બિનઅધિકૃત રીતે દબાણ કરી તેમાં ખેતી કરવામાં આવતી હતી. જેને લઈ ગામમાં પશુધન ધરાવતા આશરે રપથી વધુ પશુપાલકોના અંદાજે ૧ હજાર જેટલા પશુઓને ઘાસચારો ચરાવા માટે કોઈ જ જગ્યા બાકી રહી નહોતી. આ મામલે પશુપાલકોએ અવારનવાર વહીવટીતંત્રને લેખિતમાં અરજીઓ કરી હતી. જે સંદર્ભે તંત્રના અધિકારીઓએ સ્થળ તપાસ પણ હાથ ધરી હતી. પરંતુ ગૌચર જમીનમાં થયેલા દબાણોને દૂર કરવામાં ન આવતા આખરે રોષે ભરાયેલા પશુપાલકોએ ન્યાયની માગણી સાથે આજે સુજનીપુર ગામ ખાતેથી આત્મવિલોપનની તૈયારી સાથે પેટ્રોલની બોટલો સાથે અંદાજે એક હજાર જેટલા પશુધનને લઈ કલેકટર કચેરી ખાતે આવવા નીકળ્યા હતા. ત્યારે પશુપાલકોના આ ઉગ્ર દેખાવને લઈ પાટણ એ-ડિવિઝન અને એલસીબી પોલીસ સ્ટાફના માણસો પશુપાલકો પશુધન લઈ કલેકટર કચેરી ખાતે પહોંચે તે પહેલા સુજનીપુર સબજેલ ખાતે પશુપાલકોને રોકી દેવામાં આવ્યા હતા અને આત્મવિલોપન કરવા માટે લાવેલ પેટ્રોલની બોટલો પોલીસે કબજે કરી હતી.
પશુધન લઈને દેખાવ કરવા નીકળેલા પશુપાલકોને રોકતા પોલીસ અને પશુપાલકો વચ્ચે થોડા સમય માટે ઘર્ષણ સર્જાયું હતું. જો કે પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ પાંચ જેટલા પશુપાલકોને જિલ્લા કલેકટર કચેરી ખાતે પોલીસવાનમાં લાવવામાં આવ્યા હતા. જયાં પોલીસ અધિકારીઓ સાથે આગેવાન પશુપાલકોએ જિલ્લા કલેકટર સુપ્રીતસિંહ ગુલાટીને ગૌચર જમીનમાંથી દબાણો દૂર કરી આ જમીન ગાયોના ઘાસચારા માટે ખુલ્લી મુકવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ત્યારે તેઓની રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા કલેકટરે આ મામલે જે તે અધિકારીને તપાસ સોંપી યોગ્ય ન્યાય આપવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.