(સંવાદદાતા દ્વારા)
પાટણ, તા.૩
૫ાટણ શહેરમાં ચાલતા હથિયાર વેચાણના નેટવર્કનો પાટણ એસઓજી પોલીસે પર્દાફાશ કરી પાંચ શખ્સોને ઝડપી લીધા હતા અને બે પિસ્તોલઈ, બે જીવતા કારતૂસ, મોબાઈલ ફોન, ટાટા સફારી સ્ટ્રોમ ગાડી મળી કુલ રૂા.૧૧,૧૬,ર૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આ હથિયાર વેચાણમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પાટણ એસઓજી પીઆઈ વાય.બી.જાડેજા, પી.એેસઆઈ. વી.આર. ચૌધરી સહિતનો સ્ટાફ ગતરાત્રે પાટણના ઊંઝા ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ટાટા સફારી સ્ટ્રોમ ગાડી નં.જીજે-૦ર-ડીએ-૮પ૮૭ ઊંઝા તરફથી પાટણ આવતા તેને અટકાવી તલાશી લેતા તેમાં બેઠેલા ચાર શખ્સો પૈકી યશવંતસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત (રહે.કુંવારા, તા.સિદ્ધપુર) પાસેથી એક પિસ્તોલ તથા બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જે પિસ્તોલ અંગે પૂછપરછ કરતા એક માસ અગાઉ પાટણની પદ્મનાભ ચોકડી ઉપર આવેલ વેદ ટાઉનશીપના મકાન નં.૧૦૩માં રહેતા મયુરગીરી ચંદુગીરી ગૌસ્વામી પાસેથી લીધી હોવાનું જણાવતા પોલીસે તાત્કાલિક તેના ઘરની ઝડતી લઈ તપાસ કરતા તેના ઘરેથી પણ વગર પાસે પરવાનાની પિસ્તોલ નંગ-૧ મળી આવી હતી. પોલીસે રૂા.૧ લાખની કિંતની પરવાના વગરની બંને પિસ્તોલ, રૂા.ર૦૦ની કિંમતના બે જીવતા કારતૂસ, રૂા.૧૦ લાખની કિંમતની ટાટા સફારી સ્ટ્રોમ ગાડી તથા રૂા.૧૬ હજારની કિંમતના પાંચ મોબાઈલ નંગ મળી કુલ રૂા.૧૧,૧૬,ર૦૦નો મુદ્દામાલ જપ્ત કરી યશવંતસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત, મયુરગીરી ચંદુગીરી ગૌસ્વામી તથા ગાડીમાં મુસાફરી કરી રહેલા નલીનકુમાર ઉર્ફે રાજકુમાર કાંતિભાઈ પટેલ (રહે.ઊંઝા), જીતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ (રહે.કામલી, તા.ઊંઝા) અને રવિકુમાર દશરથભાઈ પંચાલ (રહે.ઊંઝા) સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.