પાટણ,તા.ર
પાટણ શહેરમાં નનામી નીકળી શકે તે માટે મંદિરની વિવાદી દીવાલ તોડી ત્રણ ફુટ જગ્યાની માગણી કરનાર ચંદ્રસિંહ ઠાકોરને ન્યાય નહીં મળતા અગ્નિસ્નાન કરી જાત જલાવી હતી જેનું મોત થતા આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત ઠાકોર સમાજના લોકોએ જાતે આ દીવાલ તોડી નનામી નીકાળી હતી અને મોડી સાંજે અંતિમ સંસ્કાર કર્યા હતા. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે જિલ્લા કલેકટર કચેરી તથા સમગ્ર રેલવે સ્ટેશન રોડ ઉપર પોલીસ કાફલો ખડકી એક બાજુનો રોડ બંધ કરવામાં આવ્યો હતો. પાટણ શહેરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર બગેશ્વર મહાદેવ પાસે રહેતા પરિવારોના ઘરની આગળ જ અવરજવરના રસ્તા ઉપર રામજી મંદિરના પુજારી અને ટ્રસ્ટી, બિલ્ડર દ્વારા કોમર્શિયલ હેતુ માટે દીવાલ બનાવવામાં આવતા અવરજવરનો રસ્તો સાંકડો થતા નનામી પણ નીકળી શકે તેમ ન હતી. આ મામલે ચંદ્રસિંહ અભુજી ઠાકોરે જવાબદાર સત્તાધીશોને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી પરંતુ અધિકારીઓએ વાત કાને ધરી ન હતી. તો રામજી મંદિરના પુજારી રમેશભાઈ અને ટ્રસ્ટી, બિલ્ડર મોહનભાઈ પટેલે ધાક-ધમકી આપી દીવાલ નહીં તૂટે તેમ જણાવતા હતપ્રત બન્યો હતો અને ન્યાય મેળવવા આત્મવિલોપનની ચીમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગણતરીની મિનિટોમાં શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી જાહેર રોડ ઉપર દોટ લગાવી હતી. ૮પ ટકા સળગી ગયેલ જેને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ત્રણ દિવસની સારવાર બાદ ગઈકાલે તેનું મોત નીપજયું હતું. દરમ્યાન આજે બપોરે તેના મૃતદેહને પાટણ તેના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. જયાં વિફરેલા લોકોએ તેની નનામી નિકાળવા આ વિવાદાસ્પદ દીવાલ જમીનદોસ્ત કરી હતી. મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને લોકો એકઠા થઈ જતાં ઉત્તેજના સાથે તંગદિલી છવાઈ હતી અને ચંદ્રસિંહ ઠાકોરના મોતથી તેના બે બાળકો નોંધારા બનતા જવાબદાર તંત્ર વાહકોની નિષ્ઠુર અને સંવેદનવિહીન કામગીરી પ્રત્યે ભારે આક્રોશ ઠાલવતા જોવા મળ્યા હતા.
એક તબક્કે કેટલાક આગેવાનોએ આરોપીઓની ધરપકડ બાદ જ અંતિમ સંસ્કાર કરવાની જીદ કરાા વાતાવરણ તનાવપૂર્ણ બન્યું હતું જો કે, કેટલાક અન્ય આગેવાનોની સમજાવટ બાદ મોડી સાંજે ચંદ્રસિંહ ઠાકોરની સ્મશાન યાત્રા નીકાળવામાં આવી હતી. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે, જે ઘટના બની છે તે નિંદાને પાત્ર છે. તંત્રવાહકોએ તકેદારી રાખી હોત તો આજે બે બાળકો નોંધારા ન બનત. ન્યાય નહીં મળતા આત્મવિલોપન કર્યું છે અને વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવીશ. તો ચંદ્રસિંહના મોટાભાઈ હસમુખસિંહે જણાવ્યું હતું કે જેના કારણે મારાભાઈએ આત્મવિલોપન કર્યું છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ.
Recent Comments