પાટણ, તા.૧૭
પાટણ શહેરના સરદારબાગ સામે રહેણાંક મકાનમાં બુટલેગર દ્વારા ચલાવવામાં આવતા વિદેશી દારૂના અડ્ડા ઉપર ગતરાત્રે સ્થાનિક મહિલાઓએ જનતારેડ કરી દારૂનો નાશ કરી બુટલેગરના મકાન તથા જાહેર રોડ ઉપર આવેલ કેબિનની તોડફોડ કરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના સાથે હડકંપ મચી ગઈ હતી.
પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં સરદારબાગ, નાણાવટી પ્રાથમિક શાળા પાસે મનસુખભાઈ પ્રજાપતિ નામના દારૂના બુટલેગર દ્વારા પોતાના રહેણાંક મકાનમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો કરવામાં આવતો હતો તેમજ ગ્રાહકોની સુવિધા માટે મકાનની સામે જાહેરમાર્ગ ઉપર કેબિન મુકી ત્યાં બેઠક વ્યવસ્થા કરી મહેફીલો જમાવવામાં આવી હતી. રાત્રીના સમયે અહીંયા ઝૂમ શરાબી ઝૂમની અદામાં ટહેલતા લોકોને કારણે સ્થાનિક મહિલાઓને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. આ ત્રાસ મામલે સ્થાનિકો દ્વારા પોલીસને લેખિત તથા મૌખિક રજુઆતો કરવામાં આવી હતી છતાં કોઈ જ પગલાં ભરવામાં આવ્યા ન હતા.
દરમિયાન આ દૂષણને નાથવા ગતરાત્રે સમગ્ર વિસ્તારની મહિલાઓ એકત્ર થઈ હતી અને રણચંડીનું સ્વરૂપ ધારણ કરી બુટલેગરના ઘરમાં તથા કેબિન ઉપર જનતા રેડ કરી હલ્લાબોલ કર્યું હતું. આ સમયે મહિલાઓના ટોળાએ દારૂની બોટલોનો નાશ કરી મકાન તથા કેબિનમાં તોડફોડ કરી હતી. રોષે ભરાયેલી મહિલાઓએ મકાનમાં રહેલ રાચ-રચીલુ, ફર્નિચર, ફ્રીજ, ટીવી, એસીની તોડફોડ કરી હતી. તેમજ કેબિનને આડું પાડી તેમાં સંતાડેલ દારૂની બોટલોનો નાશ કર્યો હતો અને આગ ચાપવાની કોશિષ કરી હતી.
બનાવની જાણ થતાં જ પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, પાટણ ‘એ’ અને ‘બી’ ડિવિઝનનો પોલીસ સ્ટાફ, એસઓજી, ડી.સ્ટાફ, એલસીબી સહિતના પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવ્યા હતા. આ સમયે રોષે ભરાયેલી મહિલાઓ સાથે એક હજારથી વધુ સ્થાનિક લોકોના ટોળાએ ધારાસભ્ય કિરીટ પટેલની ઉપસ્થિતિમાં પોલીસને આડે હાથ લઈ જણાવ્યું હતું કે અનેક વખત વિદેશી દારૂનો આ વેપલો બંધ કરાવવા રજૂઆતો કરી હતી. અહીંયા જામતી મહેફીલોમાં છાકટા બની દારૂડિયાઓ અવારનવાર યુવતીઓને છેડતી કરતા હતા. રોજબરોજનો આ ત્રાસ અસહ્ય બનતા ના છુટકે પોલીસનું કામ અમારે કરવાની ફરજ પડી છે.
મહિલાઓ અને સ્થાનિક લોકોના આક્રોશને ધારાસભ્યએ શાંત પાડી કાયદો હાથમાં નહીં લેવા સમજાવી. અંતે મામલો થાળે પાડ્યો હતો. બનાવને પગલે બુકડી ચાર રસ્તાથી સુભાષચોક સુધી હજારોની સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થઈ જતા સમગ્ર વિસ્તારમાં માનવ મહેરામણનું કિડીયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.