(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૧૪
પાટણ શહેરને કોરોના ઘમરોળી રહ્યું હોય તેમ આજે વધુ છ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા પાટણનો આંક ૧૬૧ ઉપર પહોંચ્યો છે. આ ઉપરાંત સિદ્ધપુરમાં પણ એક કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક ૩૩૯ ઉપર પહોંચ્યો છે, તો ૧૮૮ જેટલા ટેસ્ટ સેમ્પલો પેન્ડિંગ છે. પ૦ દર્દીઓ હાલ કોરોનાના હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ૪૮ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. જ્યારે ર૦૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ૩૦ દર્દીઓનાં મોત થયા છે. પાટણ બાદ સિદ્ધપુર શહેરમાં ર૧ અને રાધનપુરમાં ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. પાટણ શહેરમાં આજે નોંધાયેલા છ પોઝિટિવ કેસોમાં ૩૪ વર્ષીય પુરૂષ વિશ્વધામ સોસાયટી, ૭ર વર્ષીય પુરૂષ પખાલીવાડો લોટેશ્વર, પપ વર્ષીય મહિલા સિદ્ધનાથ સોસાયટી, ૪૭ વર્ષીય પુરૂષ સારથી સ્ટેટસ, ૬૦ વર્ષીય પુરૂષ વ્રજવિહાર અને ૪ર વર્ષીય પુરૂષ મહાવીરનગર સોસાયટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિદ્ધપુરની ઘનશ્યામ સોસાયટીમાં રહેતા ૭પ વર્ષીય પુરૂષને શરીરમાં અશક્તિ જણાતા ટેસ્ટ સેમ્પલ લેતા રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.