પાટણ, તા.૧
પાટણ શહેરમાં ત્રણ ફૂટની જગ્યા માટે ન્યાય મેળવવા અગ્નિસ્નાન કરી રેલવે સ્ટેશન રોડ ઉપર દોટ લગાવનાર યુવાનનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે સારવાર દરમિયાન મોત થયું છે. ૮૦ ટકા બળી ગયેલા યુવાનનું ત્રણ દિવસની સારવાર બાદ મોત થતાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા ઠાકોર સમાજમાં તેના ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. પાટણના રેલવે સ્ટેશન રોડ ઉપર રામજી મંદિરના પૂજારી અને બિલ્ડર દ્વારા અવર-જવરના રસ્તા ઉપર દીવાલ બનાવતા અહીંયા રહેતા સ્થાનિક લોકોની નનામી પણ ન નીકળી શકે તે રીતે રસ્તો સાંકડો બનતા યોગ્ય કરવા રજૂઆતો કરવા છતાં સત્તાધીશો આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં લાવતા ન્યાયની માંગ સાથે ચંદ્રસિંહ ઠાકોરે જાતે શરીર ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી રોડ ઉપર દોટ લગાવી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા ચંદ્રસિંહને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ત્રણ દિવસથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા આ યુવાનનું આજે મોત થયું હતું. આ સમાચાર તેના પરિવારજનો અને સ્થાનિક લોકોને મળતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પાટણ શહેરમાં અગાઉ તા.૧પ/૦ર/ર૦૧૮ના રોજ ભાનુપ્રસાદ મકવાણાએ ન્યાય નહીં મળતા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ આત્મવિલોપન કર્યું હતું અને તેનું મોત થયું હતું. જે બનાવના ત્રણ વર્ષ બાદ ફરી આત્મવિલોપન અને મોતનો બનાવ બનતા તંત્રવાહકોની અરજદારો પ્રત્યેની ધીમી અને સંવેદનાવિહીન નિષ્ઠુર કામગીરી આજે શહેરીજનોમાં ભારે ટીકાપાત્ર બની છે. ચંદ્રસિંહ ઠાકોરે અગ્નિસ્નાન કર્યા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને જમીન માપણી સાથે ધાક-ધમકી આપનાર મંદિરના પૂજારી રમેશભાઈ તથા ટ્રસ્ટી અને બિલ્ડર મોહનભાઈ પટેલ સામે ફરિયાદ નોંધી હતી. પરંતુ બનાવ બનતાની સાથે જ રામજી મંદિરને તાળું મારી પૂજારી અને ટ્રસ્ટી બંને રફૂચક્કર થઈ ગયા હતા. દરમિયાન ચંદ્રસિંહના ભાઈ અશોકસિંહ અને ઠાકોર-ક્ષત્રિય સમાજના આગેવાનો ગઈકાલે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજને મળ્યા હતા અને પોલીસે યોગ્ય રીતે ફરિયાદ નહીં લખી આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છેના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી. જેના પ્રત્ત્યુત્તરમાં પોલીસ અધિક્ષકે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી. જ્યારે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચંદ્રસિંહનું મોત થયું હતું.