(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૨૧
પાટણ શહેરમાં પાન મસાલા અને ગુટકાના હોલસેલ વેપારીઓ દ્વારા એમ.આર.પી કરતા વધુ ભાવ વસૂલાતા હોવાની હકીકત આધારે સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગના અધિકારીઓ દ્વારા આવા વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તપાસને પગલે ગુટકાના અન્ય વેપારીઓ પોતાની દુકાનો બંધ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
પાટણ શહેરમાં સરકારના તોલમાપ અને ગ્રાહક સુરક્ષા કચેરી પાટણ અને મહેસાણાના સંયુક્ત ઉપક્રમે અધિકારીઓએ એક ટીમ બનાવી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ તિરૂપતી પ્લાઝામાં કેશર ભવાની ટ્રેડિંગ નામની દુકાનમાં અધિકારીએ ગ્રાહકના સ્વાંગમાં જઈ સિગારેટનું પેકેટ માગ્યું હતુ ત્યારે વેપારીએ એમઆરપી કરતા વધુ પૈસા માંગતા આ કર્મચારીએ તેમના અધિકારીઓને જાણ કરતા તેઓ વેપારીની દુકાન પર આવી તપાસ હાથ ધરી હતી અને વધુ કિંમત લેવા બદલ વેપારીને નોટિસ ફટકારી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.