પાટણ,તા.રર
પાટણ તાલુકાના ખાનપુર રાજકૂવામાં સરકારના પરિપત્ર મુજબ અનુસૂચિત જાતિના જમીન વિહોણા સાત પરિવારોને જમીન ફાળવણીની જૂની માગણી ન સંતોષાતા આજે આ પરિવારના સભ્યો વતી તેના અરજદારે જિલ્લા પ્રશાસન સામે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તાજેતરમાં બનેલી દુદખાની ઘટના બાદ આજે પાટણ તાલુકાના ખાનપુર રાજકૂવા ગામના અનુસૂચિત જાતિના જમીન વિહોણા અરજદારોએ સરકારના પરિપત્ર મુજબ પાંચ પાંચ એકર જમીન ફાળવવાની માગણી વર્ષ ર૦૦પમાં કરવામાં આવી હતી. ત્યારે વર્ષ ર૦૧૦માં નાયબ કલેકટરનો હુકમ થયો હતો. તે રદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ ર૦૧૩માં નોરતા વાંટાનું જાહેરનામું બહાર પાડી તેના અનુસંધાને આ જાહેરનામું રદ કરતા જમીન વિહોણા પરિવારો અને અરજદાર નગીન ગણેશભાઈ મકવાણાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને અરજદારે ર૯ ડિસેમ્બરના રોજ જમીન માગણી માટે ફરીથી અરજી કરી હતી. તેમજ ખાનપુર રાજકૂવાના તમામ દબાણો, ચર્મકુંડની જગ્યા, મફતગાળાની ગ્રાન્ટના પ્લોટો ફાળવવા સહિતની અન્ય માગણીઓ અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓને રહેણાક માટે મફત પ્લોટ ફાળવવાની પણ અરજી કરેલી છે જે તમામ આધાર પુરાવાઓ રજૂ કરવા છતાં આજદિન સુધી આ માગણી ન સંતોષાતા આજે સાત પરિવારના સભ્યોની સાથે અરજદાર નગીન ગણેશભાઈ મકવાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જયાં મીડિયા સમક્ષ તેઓએ પોતાની વિવિધ માગણીઓના મુદ્દે રજૂઆત કરી જો અમારી માગણીઓ નહીં સંતોષાય તો તા.પમી માર્ચના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરીશ તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ રજૂઆતને પગલે જિલ્લા કલેકટર આનંદ પટેલે અરજદારને જણાવ્યું હતું કે સરકારના નિયમ પ્રમાણે શકય હશે તેટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. તેમજ લાગતા વળગતા અધિકારીઓને જમીનની ન્યાયિક તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરાવામાં આવશે તેવી હૈયાધારણા આપી છે જો કે જમીનના મુદ્દે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે ફરી એકવાર અરજદારે ઉચ્ચારેલી આત્મવિલોપનની ઘટનાને લઈ પાટણ ડીવાયએસપી તેમજ બી-ડિવિઝન પીઆઈએ ચીમકી ઉચ્ચારનાર મકવાણા નગીનભાઈ સહિત પરિવારના સભ્યોના અટકાયતી પગલાં લઈ તેઓને પાટણ બી-ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા આમ પાટણમાં ફરી એકવાર જમીનના મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસ સહિત વહીવટીતંત્ર પણ હરકતમાં આવી ગયું છે.