પાટણ,તા.૨૯
પાટણ શહેરમાં રહેતી યુવતીને કોલેજના મિત્રએ વિશ્વાસમાં લઈ ગાડીમાં બેસાડ્યા બાદ તેના મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી તોડી નાંખી પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી સાથે પાટણ-બેચરાજીથી અમદાવાદ એક ફલેટમાં લઈ જઈ તેણીની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધેલ તેમજ વિદેશ લઈ જવાની લાલચ આપી વિવિધ જગ્યાએ ગોંધી રાખી હોવાનો બનાવ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત થતી વિગતોનુસાર પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીકમાં આવેલી એક સોસાયટીમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને તેની સાથે મિત્રતા ધરાવતા દર્શન સુરેશભાઈ પટેલ રહે.વલ્લભનગર સોસાયટીવાળાઓએ અન્ય પાંચ વ્યક્તિઓ સાથે મળી ઉપરોક્ત યુવતીને પદ્મનાભ ચાર રસ્તા પાસેથી પલાસર કોલેજમાં લાયબ્રેરીની ફી લેવા જવા માટે નીકળી હતી અને બસની રાહ જોઈ રહી હતી. ત્યારે દર્શન તેમજ અન્ય પાંચ જણા અલગ-અલગ ગાડીઓમાં ત્યાં આવેલા યુવતીને અમે મહેસાણા જઈએ છીએ તું અમારી સાથે ચાલ. તને લણવા ઉતારી દઈશું તેમ કહેતા યુવતી વિશ્વાસમાં આવી કારમાં આગલી સીટ પર બેસી ગયેલ. કાર થોડીક ચાલી હશે ત્યાં જ દર્શને યુવતિનો મોબાઈલ ફોન ઝુંટવી લઈ તેમાંથી સીમકાર્ડ કાઢી તોડી નાખી કહેલ કે હું જ્યાં લઈ જવું ત્યાં તારે આવવાનું છે અને કંઈ જ બોલવાનું નથી.
આ શખ્સો યુવતીને લઈ ગયેલ જ્યાં એક તલાટીને મળવાનું હતું ત્યાં પણ યુવતીને હામાં ભણવા ડરાવી ધમકાવી મનાવેલ ત્યાંથી યુવતીને અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા એક ફલેટમાં પહોંચેલ જ્યાં દર્શન યુવતીને ફલેટના બારમાં માળ લઈ ગયેલ અને તારા અને મારા લગ્ન થઈ ગયા છે હવે આપણે અહીંયા જ રહવાનું છે. તેમ કહી તેણી સાથે શારીરિક સંબંધ ડરાવી ધમકાવી બાંધેલ સાથે-સાથે તેણીને ઓસ્ટ્રેલિયા લઈ જવાની લાલચ પણ આપી હતી. ત્યારબાદ યુવતીના જણાવ્યા મુજબ દર્શન તણીને ત્યાંથી ઉંઝા તાલુકાના કહોડા ગામે તેના મામાના ગામે લઈ આવી ૧૦-૧૨ દિવસ ત્યાં રાખેલી અને ત્યાં પણ મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધેલો ત્યાંથી પાટણની કસ્તુરી નગર સોસાયટીમાં લઈ ગયેલ જ્યાં યુવકના માતા-પિતા પણ યુવતિને ઘરમાંથી બહાર નીકળવા દેતા નહોતા ત્યારે તા.૨૧-૩-૧૮ના રોજ યુવતિએ નજીકમાં આવેલી મહાદેવ નગર સોસાયટીમાં તેની મળવાની બહેનપણી હેતલ રબારીના બહાને ધરમાંથી નીકળી પિતાના ઘરે પહોંચી જઈ સઘળી હકીકત જણાવી તાત્કાલિક બી-ડિવિઝન પોલીસ મથકે પહોંચી ઉપરોક્ત શખ્સો સામે ફરિયાદ આપી હતી. જેથી પોલીસે ધોરણસરનો ગુનો દાખલ કર્યો છે.