(સંવાદદાતા દ્વારા)
પાટણ, તા.૧૮
પાટણ શહેર કોરોના વાયરસના અજગરી ભરડામાં આવી ગયું છે. દિન-પ્રતિદિન કોરોનાનો પ્રકોપ વધતા એક પછી એક પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. રાણકીવાવ વિસ્તારમાં આવેલ દ્વારકાનગરી સોસાયટી અને મીરાપાર્ક સોસાયટીમાં પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. પાટણમાં લોકડાઉનમાં આંશિક છૂટછાટ બાદ કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થિતિ બેકાબૂ બની છે. સતત પાંચ દિવસ સુધી પોઝિટિવ કેસોની સંખ્યા ઉત્તરોત્તર વધારો નોંધાયો હતો, ત્યારે વધુ બે પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા શહેરીજનો સહિત તંત્રમાં ભયની લાગણી ફેલાઈ છે. શહેરના રાણકીવાવ વિસ્તારમાં આવેલ દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા અને પપૈયાનો હોલસેલ વેપાર કરતા ૬પ વર્ષનો વેપારી સુપરસ્પ્રેડર શાકભાજીવાળાના સંપર્કમાં આવ્યા હોવાના અનુમાનને લઈ તેઓને શરદી-ખાંસી જેવા લક્ષણો જણાતા પ્રાથમિક સારવાર માટે ખસેડાયા હતા. ત્યારબાદ ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે તેમના રિપોર્ટ કઢાવતા તે પોઝિટિવ આવ્યો હતો, જેને લઈ પાટણ આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને નગરપાલિકાના કર્મચારીઓ મોડી રાત્રે ઘટનાસ્થળે દોડી ગયા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મોડી રાત્રે દર્દીના નિવાસસ્થાને ઘરના તમામ સદસ્યોનો સર્વે કર્યો હતો. પોઝિટિવ કેસને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ક્લોઝ કન્ટેન્ટમેન્ટમાં આવેલ ઘરના બે સદસ્યોને હોમ ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી, તો તકેદારીના ભાગરૂપે સ્થાનિક કોર્પોરેટર મનોજ પટેલે નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા દર્દીના નિવાસસ્થાન સહિત સમગ્ર સોસાયટીમાં સેનેટાઈઝમાં છંટકાવ કરવામાં આવ્યો હતો.