પાટણ,તા.૬
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે માસુમ બાળકી પર બનેલી દુષ્કર્મની ઘટના બાદ રાજ્યના મોટાભાગના સ્થળોએ પરપ્રાંતિય ઈસમો સામે ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં તોડફોડ અને હિંસાના બનાવો અટકાવવા માટે રાજ્ય પોલીસે કાયદાનો કોરડો ઉગામ્યો છે. પાટણ શહેરમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શહેરના સ્લમ એરિયામાં રહેતા પરપ્રાંતિય પરિવારોની સલામતી ન જોખમાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. શહેરના મીરા દરવાજા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ૪૦ જેટલા પરિવારો પોતાના કુટુંબ-કબીલા સાથે ધંધા-રોજગાર અર્થે અહીં આવીને વસ્યા હતા. ત્યારે દુષ્કર્મની ઘટનાને લઈ આવા પરપ્રાંતિયો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી આ પરપ્રાંતિય પરિવારોની સલામતી માટે પાટણ જિલ્લા પોલીસતંત્ર દ્વારા સમગ્ર મીરા દરવાજા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.