પાટણ, તા.૪
પાટણમાં આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતો માટે કાળા કાયદા સમાન કૃષિ કાયદાઓનો વિરોધ કરવા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડવાની આશંકાને પગલે હાઈવે માર્ગો અને શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તો શહેરના નવજીવન ચાર રસ્તા ઉપર વાહનો રોકી ચક્કાજામનો પ્રયાસ કરી રહેલા તેમજ અન્ય રપ જેટલા કાર્યકરો-ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. પાટણ કલેક્ટર કચેરીએ કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ ધરણા કરી ખેડૂત વિરોધી સરકાર સામે ઉગ્ર દેખાવો કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર, શંકરજી ઠાકોર, ગુલાબખાન રાઉમા સહિતના કોંગ્રેસના આગેવાનોએ રાષ્ટ્રપતિને ઉદ્દેશી જિલ્લા કલેક્ટરને ૧૦ મુદ્દા સાથેનું આવેદનપત્ર આપી ખેડૂત વિરોધી આ ત્રણ કાયદા પરત લેવામાં આવે તેવી માંગ કરી હતી. કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા ગયા તે સમયે પોલીસે ધરણા ઉપર બેઠી શાંત પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસના મહિલા સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી અને પોલીસવાનમાં “બી” ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા તો બીજી તરફ ધરણાસ્થળે આવતા કાર્યકરો અને ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવતા નવજીવન ચાર રસ્તા ઉપર કેટલાક કાર્યકરોની ખેડૂતોએ હાઈવે ઉપર બેસી જઈ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ હરકતમાં આવેલી પોલીસે ૧૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતાં પાટણ જિલ્લા પાસના કન્વિનર હાર્દિક પટેલ (અડિયા)ને પગના ભાગે ઈજાઓ થઈ હતી. કાર્યકરોની અટકાયતના સમાચાર જાણી વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ સહિતના આગેવાનો પોલીસ મથકે દોડી ગયા હતા અને જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ધરણા વિરોધ પ્રદર્શન સમયે પત્રકારોને સંબોધતા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નીતિઓને કારણે જગતનો તાત એવા ખેડૂતો સંઘર્ષ કરવા મજબૂર બન્યા છે અને ન્યાય નહીં મળતા આત્મહત્યા કરી રહ્યા છે. આ કાયદાઓ મુઠ્ઠીભર માલેતુજારોને માલામાલ કરવા બનાવવામાં આવ્યા છે. આનાથી ખુલ્લા બજારમાં ખેડૂતોની ઉપજને લૂંટવામાં આવશે. એપીએમસીનો કાયદો ધ્વંશ બનશે. કરોડોની એપીએમસીની મિલકતો વેચવાનો એક કારસો છે. સંગ્રહખોરી વધશે અને ભાજપના મળતિયાઓને લીલાલહેર થશે. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.