(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.રપ
પાટણ શહેરમાં આગામી તા.૧લી જાન્યુઆરીથી જાહેરમાં કચરો ફેંકનારા તથા આડેધડ પાર્કિંગ કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે રખડતા શહેરી વિસ્તારમાં સમસ્યારૂપ બનતાં ઢોરના માલિકો તથા ગેરકાયદે લારી-ગલ્લા ચલાવતા લોકો સામે ગુનો નોંધી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગ, પોલીસ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ તથા નગરપાલિકા દ્વારા સંકલનમાં રહી ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવશે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત પાટણ જિલ્લાએ રાજ્યભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે ત્યારે પાટણના શહેરી વિસ્તારને પણ ગંદકીમુક્ત કરી સ્વચ્છ બનાવવાની નેમ સાથે પાટણ પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા આગામી તા.૧લી જાન્યુઆરીથી વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ખુલ્લામાં કચરો નાંખનાર નાગરિકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. સાથે સાથે ગાઈડલાઈન્સ મુજબ મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરનારા હોસ્પિટલ્સ, લેબોરેટરીઓ તથા અન્ય એકમો સામે ગુનો નોંધી દંડાત્મક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત જાહેર માર્ગો પર નડતરરૂપ થતાં આડેધડ પાર્કિંગ કરેલા વાહનો ટો કરી વાહનમાલિકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. સાથે જ પરવાનગી લીધા વગર ગેરકાયદે ચાલતા લારી-ગલ્લાઓ હટાવી લઈ લારી-ગલ્લા માલિકો સામે પણ ગુનો નોંધી દંડ સહિતની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાંત અધિકારીએ આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ બેઠકમાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. ચિરાગભાઈ ગોસાઈ, પી.આઈ. એ.સી. પરમાર, મોટર વાહન નિરીક્ષક એસ.ડી. પટેલ, શહેર ટ્રાફિક પી.એસ.આઈ. એસ.બી. ગઢવી તથા પ્રાંત કચેરી પાટણના શિરસ્તેદાર ફલજીભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.