પાટણ, તા.૩૦
પાટણ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ દબાણ હટાવો ઝુંબેશ દરમ્યાન ગેરકાયદેસર રીતે લોખંડની તિજોરી તથા ઘોડો જપ્ત કર્યા બાદ સત્તાધીશો દ્વારા તેને વેચી નાખવામાં આવતા વેપારીએ ચીફ ઓફિસર અને એસ.આઈ. વિરૂદ્ધ પાટણના ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાદ માંગતા પાટણ એ-ડિવિઝનના પી.આઈ.ને ફરિયાદીની તપાસ હાલ કયા તબક્કે છે તેની તાત્કાલિક કોર્ટને લેખિત જાણ કરવી અને ૩૦ દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે. પાટણ નગરપાલિકા દ્વારા ગત તા.ર૪/૧ર/ર૦૧૮ના રોજ જલારામ મંદિર સામે, આવેલ પટેલ નરસિંહભાઈના કૃપા સ્ટીલ ફર્નિચરના કારખાના પાસેથી દબાણ હટાવાનો ભાગરૂપે લોખંડની તિજોરી તથા ઘોડો ગેરકાયદેસર રીતે ચીફ ઓફિસર રાઘવજી પટેલ અને એસ.આઈ. દિનેશ સોલંકીની હાજરીમાં તેમના કહેવાથી નગરપાલિકાની દબાણ ટીમ ઉઠાવી ગઈ હતી.
દરમ્યાન તા.૩/૧/ર૦૧૯ના રોજ દંડ ભરી આ બન્ને વસ્તુઓ પરત લેવા અરજી કરી હતી પરંતુ પરત આપવાને બદલે એસ.આઈ.દિનેશ સોલંકીએ ધમકી આપી હતી અને બન્ને વસ્તુઓ કોઈપણ જાતની સંમતિ કે હરાજી કર્યા વગર જ પોતાના મળતીયાઓને વેચાણ આપી હોવાનું જાણવા મળતા મિલકત હડપ કરી ઠગાઈ કરી હોવાથી પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે બન્ને વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ ૪૦૮, ૪૦૬, ૪ર૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધવા અરજી આપી હતી અને આ જ વિગત સાથે પાટણ ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાદ માંગતા કોર્ટે આ ગુના સંબંધે પોલીસ તપાસ ચાલુ છે. એક ગુના સંબંધી અલગ-અલગ તપાસ ચાલુ રાખવી વ્યાજબી કે ન્યાયી નથી આથી હાલની ફરિયાદ ફરિયાદીની કાર્યવાહી સી.આર.પી.સી.ની કલમ ર૧૦ અન્વયે સ્થગિત કરી પી.એસ.આઈ. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને ફરિયાદીની તપાસ હાલ કયા તબક્કે છે તેની તાત્કાલિક કોર્ટને લેખિત જાણ કરવી અને ૩૦ દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે.