પાટણ, તા.૨૩
પાટણ ખાતે આવેલ ઉ.ગુ.યનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા ફરજિયાત કે મરજિયાતને મામલે સ્પષ્ટીકરણ કરવા તેમજ વિદ્યાર્થીઓની રજૂઆતોને લઈ યુનિવર્સિટીના વહીવટી ભવનમાં કુલપતિ ડો.જે.જે.વોરાના અધ્યક્ષસ્થાને યુનિ.ના વિવિધ વિષયો અને વિભાગોના ડીનોની બેઠક મળી હતી. જેમાં ચર્ચા વિચારણાને અંતેે કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન પરીક્ષાથી સંતોષ ન થાય તો ઓફલાઈન પરીક્ષા પણ આપી શકશે. ઓનલાઈન પરીક્ષાનું મટીરિયલ (પ્રશ્નબેંક) યુનિવર્સિટી અને કોલેજો દ્વારા આપવામાં આવશે. ઓનલાઈન પરીક્ષાના રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તા.૨૪-૦૭-૨૦૨૦ કરવામાં આવી છે. સહિતના વિદ્યાર્થીઓના હિતના નિર્ણયો લેવામાં આવ્યા છે.
ઉ.ગુ.યુનિવર્સિટીના પરીક્ષા નિયામકના જણાવ્યા મુજબ ઓનલાઈન પરીક્ષાઓ તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે. આથી વખતો વખત યુનિવર્સિટી દ્વારા અલગ અલગ પરીક્ષાઓ માટે તબક્કાવાર રજિસ્ટ્રેશન કરવાની તારીખો જાહેર કરવામાં આવે ત્યારે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે.
જે અભ્યાસક્રમોમાં કાઉન્સિલ લાગુ પડે છે તેવાં અભ્યાસક્રમની પરીક્ષાઓ કાઉન્સિલની ગાઈડલાઈન તથા માર્ગદર્શન મુજબ લેવામાં આવશે. વિદ્યાર્થી ઘરે બેઠા પરીક્ષા આપી શકશે. તેમજ જે વિદ્યાર્થી પાસે ઓનલાઈન પરીક્ષા આપવા માટે મોબાઈલ તેમજ ઈન્ટરનેટની સગવડ ન હોય તો તેવા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલ પરીક્ષા કેન્દ્રો પર જઈ પરીક્ષા આપી શકશે.
પરીક્ષાનો પ્રથમ તબક્કો તા.૨૭/૦૭/૨૦૨૦થી ચાલુ થનાર છે જેની રજિસ્ટ્રેશનની તા.૨૨/૦૭/૨૦૨૦ હતી જે લંબાવીને તા.૨૪/૦૭/૨૦૨૦ના સાંજે ૫ઃ૦૦ કલાક સુધી રજિસ્ટ્રેશન કરવા લંબાવવામાં આવે છે. પ્રથમ તબક્કામાં લેવાનાર પરીક્ષાના વિદ્યાર્થીઓએ લોગઈન આઈડી અને પાસવર્ડ માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. પ્રથમ તબક્કામાં લેવાનાર પરીક્ષાઓ માટે મોક ટેસ્ટ તા.૨૫/૦૭/૨૦૨૦ના રોજ બપોરે ૨ઃ૦૦ કલાકે લેવામાં આવશે. બીજા તબક્કાની પરીક્ષાઓ તા.૧૭/૦૮/૨૦૨૦થી ચાલુ થશે. જેના માટે રજિસ્ટ્રેશન કરવાની તારીખો તથા પરીક્ષાઓનો કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવશે.