(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૬
પાટણ શહેરમાં રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. બે દિવસ અગાઉ એક વૃદ્ધને આખલાએ શિંગડે ભેરવી જમીન પર પટકાતા મોત નિપજ્યું હતું, જ્યારે બુકડી વિસ્તારમાં ગાયે મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજાગ્રસ્ત બન્યા હતા, ત્યારે રખડતા પશુઓનો ત્રાસ દૂર કરી તેમને પાંજરે પૂરવા આજે સવારે પાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ નીકળ્યો હતો, તે સમયે છીંડિયા દરવાજા પાસે રખડતી ૧૦ જેટલી ગાયોને પાંજરે પૂરવાની કામગીરી કરતા હતા, ત્યારે હાથમાં લાકડી, ધોકા સાથે ધસી આવેલા પશુમાલિકોએ ઘર્ષણમાં ઊતરી ગાયો છોડાવી જતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ચીફ ઓફિસર પાંચાભાઈ માળી તથા સ્ટાફ દ્વારા રખડતા પશુઓ પાંજરે પૂરવા અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત આજે વહેલી સવારે છીંડિયા દરવાજા પાસે ૧૦થી વધુ ગાયોનો જમેલો જોતા ચીફ ઓફિસરે આ તમામ રખડતી ગાયોને નજીકમાં આવેલ પાલિકાની જગ્યામાં પૂરી દીધી હતી. જેની જાણ પશુમાલિકોને થતા લાકડી-ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, જે જોઈ ચીફ ઓફિસર સહિત પાલિકાના કર્મચારીઓમાં નાસભાગ મચી હતી અને સ્થળ છોડી સલામત સ્થળે દોડી જતા હથિયારબંધ ટોળું ગાયો નાસી છૂટયા હતા. આ બનાવને પગલે પશુમાલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.