પાટણ,તા.૧ર
પાટણ જિલ્લામાં બે જગ્યાએ કેનાલોમાં આજે ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. રાધનપુર અને સાંતલપુર પંથકની કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત હોય તેમ આજે પણ ગાબડું પડતા કૃષિપાકને નુકસાનની સ્થિતિ બની છે. આજે સાંતલપુરની માનપુરા માઈનોર કેનાલમાં અંદાજે ૧પ ફુટનું ગાબડું અને જારૂષાને જોડતી બામરોલી ડિસ્ટ્રીકટ કેનાલમાં પણ અંદાજે ર૦ ફુટ જેટલુ ગાબડું પડયું હોવાનું સામે આવ્યું છે. પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. શિયાળુ પાકના વાવેતર બાદ બે દિવસ કમોસમી વરસાદ વચ્ચે પંથકના ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી સામે આવી છે. સવારે સાંતલપુર પંથકની જારૂષા બામરોલી માઈનોર કેનાલમાં ર૦ ફુટ જેટલું ગાબડું પડયું હતું. ગાબડુ પડતાં કેનાલમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. આ સાથે નજીકના ખેતરોમાં કેનાલનું પાણી ઘૂસી જતા જીરૂ, રાયડો અને ઘઉં જેવા પાકોમાં મોટા નુકસાનની સંભાવના છે. આજે સાંતલપુરની માનપુર માઈનોર કેનાલમાં પણ ૧પ ફુટનું ગાબડું પડયું છે. વારંવાર કેનાલમાં ગાબડા પડતા પંથકના ખેડૂતો માટે પડયા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. બે માસ અગાઉ રીપેર કરેલી કેનાલમાં ફરીથી ગાબડું પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.