(સંવાદદાતા દ્વારા)
પાટણ, તા.૪
પાટણ શહેરમાં ગરૂવારે વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમોં એક ગાયનેક તબીબ અને આંખના રોગના નિષ્ણાંત તબીબની માતાનો સમાવેશ થાય છે. કોરોનાનો ચેપ ખાનગી હોસ્પિટલો ધરાવતા તબીબો સુધી પ્રસરતા શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે. આ ઉપરાંત તાલુકના ચંદ્રુમાણા ગામે પણ ૪૫ વર્ષીય પુરૂષ કોરોનાગ્રસ્ત બન્યો છે. આમ પાટણ જિલ્લામાં વધુ ત્રણ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૮૮ થઈ છે. જ્યારે પાટણ શહેરમાં ૨૬ કેસ નોંધાયા છે. તો સિદ્ધપુર તાલુકાનાં ખડિયાસણ ગામના ૬૮ વર્ષીય કોરોનાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત થતાં કુલ મૃત્યુઆંક ૭ થયો છે.
પાટણ ચાણસ્મા હાઈવે રોડ પર જીઈબી પાસે આવેલ વર્ધમાનનગર સોસાયટીમાં રહેતા અને નવજીવન ચાર રસ્તા પર સરદાર કોમ્પલેક્ષમાં આધાર વુમન્સ નામની હોસ્પિટલ ધરાવતા ગાયનેક તબીબ કલ્પેશ વઢેરને તાવ સાથે કોરોના લક્ષણો દેખાતા ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પોઝિટિવ આવતા ગાયનેક તબીબને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં રહેલ પત્ની અને અન્યોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે પાટણના ટીબી ત્રણ રસ્તા પર આવેલ મારૂતિનગર સોસાયટીમાં રહેતા અને આંખની ખાનગી હોસ્પિટલ ધરાવતા ડો.નિખિલ ખમારની માતા કાશ્મીરાબેનને હાઈપરટેન્શન સાથે ડાયાબિટીસ હોઈ તાવ તેમજ અશક્તિ જણાતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના કોરોના ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.