પાટણ, તા.૧૬
પાટણ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વડગામના ધારાસભ્ય અને પછાત તેમજ વંચિત વર્ગના પાયાના પ્રશ્નોની રજૂઆત કરનાર જિગ્નેશ મેવાણીને સુરક્ષા આપવામાં આવે તેવી માંગ સાથે આજે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
દલિત અગ્રણી અને અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેઓ વધુને વધુ સક્રિય બનતા રહ્યા છે. તેમજ દેશભરમાં હાલ આંદોલનકારી તરીકે પ્રચલિત બન્યા બાદ સમાજના પછાત અને વંચિત વર્ગના પાયાના પ્રશ્નો રજૂ કરી રહ્યા છે જેના કારણે રાષ્ટ્રીય સ્તરે તેમને સારો આવકાર સાંપડી રહ્યો છે તો બીજી બાજુ જિગ્નેશ મેવાણી દ્વારા સમાજના કુરિવાજો અને નકલી રાષ્ટ્રવાદના પ્રમાણપત્રોનું વિતરણ કરતા લોકો વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને દલિત સમાજ ઉપર થઈ રહેલા અત્યાચારો અને સામાજિક પ્રણાલીઓને પડકારવામાં આવી રહી છે. જેના કારણે સમાજના રૂઢિચુસ્ત અને રાષ્ટ્રવાદના પ્રમાણપત્રોની દુકાનો ખોલીને બેઠેલા કેટલાક ઈસમો દ્વારા તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.