પાટણ, તા.૩૦
પાટણ નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના ર૭ સભ્યોએ એજન્ડા ઉપરના ૭૬ અને વધારાના ૪ કામો મળી કુલ ૮૦ કામો સામે પોતાનો લેખિત વાંધો રજૂ કરી નામંજૂર કરતા સામે શાસકપક્ષના ૧૭ સભ્યોએ તમામ કામો પર ચર્ચા કરી મંજૂર કરતા આજની સા.સભા નાટકીય રીતે પૂર્ણ થઈ હતી.
સભાની શરૂઆત થતા પાલિકા પ્રમુખે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પાલિકા પ્રમુખ સ્વ. કાન્તીલાલ નાનાલાલ પટેલના અવસાન નિમિત્તે બે મિનિટનું મૌન પાળી સભા મુલત્વી રાખવાની જાહેરાત કરતા વિપક્ષના સભ્યોએ જણાવ્યું કે, સભા મુલત્વી રાખ્યા બાદ અડધો કાલક પછી પુનઃ સભા શરૂ કરવાની દરખાસ્ત કરતા ભારે હંગામો મચ્યો હતો. બાદમાં સભાનું કામકાજ શરૂ રાખવાનો નિર્ણય થતા વિપક્ષના ર૭ સભ્યોએ લેખિતમાં વાંધો રજૂ કરી એજન્ડા ઉપરના ૭૬ અને વધારાના ૪ મળી કુલ ૮૦ કામો નામંજૂર કરવાની દરખાસ્ત મૂકતા શાસકપક્ષના ૧૭ સભ્યોએ બોર્ડની કાર્યવાહી ચાલુ રાખી તમામ કામો ઉપર ચર્ચા કરી મંજૂર કે નામંજૂર કરવાનું જણાવતા છેવટે ૧૭ સભ્યોએ તમામ કામો પર ચર્ચા કરી તમામ કામો મંજૂર કર્યા હતા. જેમાં એકાદબે કામો નામંજૂર કરાયા હતા.ર૭ વિપક્ષના સભ્યો પૈકી કેટલાક સભ્યોએ એવું જણાવ્યું હતું કે, પાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાથી ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લવાઈ હતી. તેમજ એક શાખા ચેરમેને પણ ભ્રટાચાર મામલે ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. તેની ઉપર કેમ ચર્ચા થતી નથી ત્યારે પ્રમુખે જણાવ્યું હતું કે, ભ્રષ્ટચારના આક્ષેપો સાબિત કરી આપો અથવા પુરાવા રજૂ કરો. ત્યારે ઉપપ્રમુખે જણાવ્યું કે, મારી યાદીની કોઈ તપાસ કરાઈ નથી. જ્યારે મેં માંગણી કરી ત્યારે મારી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. આમ બંને પક્ષે આક્ષેપ-પ્રતિ આક્ષેપો કરવામાં આવતા સા.સભા ભારે નાટકીય બની રહી હતી.
આજની સભામાં ૧૭ સભ્યોએ મંજૂર કરેલા તમામ કામો માત્ર ઔપચારિક બની રહેશે તેમ સભ્યોનું માનવું હતું. હવે જ્યારે આગામી સમયમાં પાલિકાની સા.સભા મળશે ત્યારે શું રાજકારણ ખેલાશે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.