પાટણ, તા.૨૫
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આંગડિયા પેઢીના કર્મચારીએ અન્ય સાગરિતોની સાથે મળી કરેલી રૂા.એક કરોડ સિત્તેર લાખની ઉચાપત પ્રકરણમાં પાટણ એલસીબી પોલીસે એક શખ્સને હિંમતનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ખાનગીરાહે હકીકત મળેલ કે, એક શખ્સ મોટીમાત્રામાં રોકડ રકમ સાથે ફરી રહ્યો છે, જેથી પોલીસે ઠાકોર દાનસંગજી હજુરજી રહે. મહેમદપુર તા.જિ. પાટણવાળાને પકડી લીધો હતો અને કચેરીએ લાવી રોકડ રકમ બાબતે હાથ ધરાયેલી પૂછપરછમાં તેણે જણાવેલ કે, આ રોકડ રકમ તેને તેના ભાઈ ઠાકોર દશરથજી હજુરજી રહે. પાટણ સાંઈબાબા નગર સોસાયટીવાળાએ આપેલ છે, તેમજ તેણે વધુમાં જણાવ્યું કે, ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે રહેતા ઠાકોર રોહીતજી હિંમતજી કે જે હિંમતનગર ખાતે આવેલી મેસર્સ એસ.કે. ટ્રેડર્સ નામની આંગડિયા પેઢીમાં કામ કરતો હોઈ તેને આંગડિયા પેઢીના માલિક શાહ કમલેશભાઈ રજનિકાંત રહે. અમદાવાદવાળાઓએ એક પ્રાઈવેટ લક્ઝરી બસમાં ઉદયપુર-રાજસ્થાનથી રૂા.૧.૭૦ કરોડ લઈ આવવા મોકલેલ, પરંતુ આ રોહીતજીએ આ મોટી રકમ જોઈ દાનત બગડતા કાવતરૂં રચ્યું હતું અને તેના સાગરિતો એવા ઠાકોર બકાજી હલુજી રહે.એલમપુર, અરવિંદજી ઉર્ફે અલુ લક્ષ્મણજી રહે. ગલોલીવાસણા, ઠાકોર શૈલેષજી બાલાજી રહે.એલમપુર, વાળાઓ સાથે મળી આ રોકડ રકમ સાથે પાટણ આવી ગયેલા અને તમામ શખ્સોએ ભેગા મળી ગલોલીવાસણા ગામની સીમમાં આવેલા તેમના ભાઈ દશરથજીના બોર ઉપર રોકડ રકમના સરખા ભાગ પાડી દીધેલ અને તે પૈકીના રૂા.૩૪ લાખ એક થેલીમાં ભરી તેને સાચવવા આપ્યા હોવાનું જણાવ્યું હતું. આમ, હિંમતનગરની આંગડિયા પેઢી સાથે મોટું કાવતરૂં આ શખ્સોએ રચ્યું હતું. જેનો પર્દાફાશ થવા પામ્યો છે. પાટણ એલસીબી પોલીસે હાલમાં ઠાકોર દાનસંગજી હજુરજીને અટક કરી અન્ય આરોપી તેમજ મુદ્દામાલ કબજે કરવા માટે હિંમતનગર પોલીસને જાણ કરવામાં આવી છે.