(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
બિહારની રાજનીતિમાં પાટલી બદલવા માટે જાણીતા મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની ટિપ્પણી અંગે હવે ખુલાસો કરવો પડ્યો છે. બિહારની ચૂંટણી છેલ્લી હશે તેવી ટિપ્પણીઓનું ખોટું અર્થઘટન કરવા મામલે મીડિયાને ફટકાર કરતા મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું હતું કે, આવું ક્યારેય કહ્યું નથી. કુમારે એવું પણ કહ્યું કે, ભવિષ્યમાં કામ માટે યોગ્ય હોઇશ તો સંપૂર્ણ સમર્પણથી કામ કરીશ. જનતા દળ યુના પ્રમુખે કહ્યું કે, મેં નિવૃત્તિની વાત કરી જ નથી. મેં મારી દરેક ચૂંટણીની છેલ્લી સભામાં કહ્યું છે કે, બધું સારૂં તો અંત સારૂં. મારૂં ભાષણ ધ્યાનથી ફરી સાંભળશો તો બધું સ્પષ્ટ થઇ જશે. બિહારની વિધાનસભાના પરિણામ જાહેર થયા બાદ પ્રથમવાર નીતિશ કુમાર મીડિયા સામે આવ્યા હતા. બિહારમાં જેડીયુને ૪૩ અને ભાજપને ૭૪ બેઠકો મળી હતી અને ગઠબંધનની બહુમતી છે. જ્યારે તમે મારી વાત કરતા હોવ ત્યારે મારી કોઇ અંગત ઇચ્છા નથી. જો મારે કામ કરવું છે તો સંપૂર્ણ સમર્પણથી કામ કરીશ. તમે આ સારી રીતે જાણો છો. નવા ધારાસભ્યોને સંબોધતા ગુરૂવારે તેમણે કહ્યું હતું કે, લોકોએ બહુમતી આપી છે ત્યારે એનડીએ સરકાર બનાવશે. ગઠબંધનના સાથીઓ શુક્રવારે બેઠક કરશે. જોકે, આ બેઠક હવે રવિવારે બોલાવાશે. ઉલ્લેખનીય છે કે, નીતિશ કુમારે પુર્ણિયામાં યોજેલી ચૂંટણી પ્રચારની અંતિમ રેલીમાં કહ્યું હતું કે, આ મારી છેલ્લી ચૂંટણી છે, અંત સારૂં તો બધું સારૂં. તેમને મુખ્યમંત્રી બનવા વિશે પૂછાયું ત્યારે તેમણે કહ્યું કે, મેં કોઇ દાવો કર્યો નથી, એનડીએ દ્વારા અંતિમ નિર્ણય લેવાશે.