અમદાવાદ, તા.ર૮
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસને સમર્થન આપશે કે કેમ ? તેવી અટકળો તેજ બની છે ત્યારે આજે હાર્દિક પટેલે ટ્‌વીટ કરીને કોંગ્રેસને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા કહ્યું છે. તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે હાર્દિકની મુલાકાત થઈ હોવાના હોટલ તાજના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસનો એજન્ટ હોવાનો રેશમા પટેલે આક્ષેપ કર્યો હતો ત્યારબાદ આજે હાર્દિક પટેલે ટ્‌વીટ કરીને કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું હતું કે તા.૩ નવેમ્બર સુધી કોંગ્રેસ પાટીદારોને બંધારણ મુજબ કેવી રીતે અનામત આપશે. આ મામલે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દે. નહીં તો અમિત શાહ સાથે જે સુરતમાં થયું તેવું થશે એવી ટ્‌વીટ કરીને હાર્દિકે કોંગ્રેસને અલ્ટીમેટમ આપ્યું છે. જો કે હાર્દિકે કરેલી ટ્‌વીટ બાદ પાસના કન્વીનર દિનેશ બાંભણિયાએ કોંગ્રેસને અનામત મુદ્દે સ્ટેન્ડ ક્લિયર કરવા કહીને જણાવ્યું છે કે જો કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો પાસ દ્વારા કોંગ્રેસના કાર્યક્રમોનો વિરોધ યથાવત રહેશે.
બિન અનામત વર્ગ માટે અમારી
સરકાર વિધાનસભામાં બિલ લાવશે
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૮
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે અનામત અંગે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે તેવી કરેલી ટ્‌વીટનો જવાબ આપતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું છે કે કોંગ્રેસ યુવાનોના ભવિષ્ય માટે ચિંતિત છે. એટલે જ બિન અનામત વર્ગને ર૦ ટકા અનામત મળે તે અંગેનું બિલ પણ અમે વિધાનસભામાં રજૂ કર્યું હતું પરંતુ ભાજપે જ તેના પર ચર્ચા થવા દીધી ન હતી. પરંતુ જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ૪૯ ટકા સિવાય બિન અનામત વર્ગને ર૦ ટકા અનામત મળે તે માટે વિધાનસભામાં બિલ લાવીશું અને તમામ પ્રકારના પ્રયાસો કરીશું.