અમદાવાદ,તા.૩
બિનઅનામત વર્ગને ખુશ કરવા માટે ભાજપ સરકાર દ્વારા ગુજરાત રાજય બિનઅનામત વર્ગોના આયોગની રચના કરવામાં આવી છે. આ આયોગના કાર્યાલયનો પ્રારંભ પાટનગર ગાંધીનગરમાં આવતી કાલે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં બપોરે ૧.૦૦ વાગે કરવામાં આવશે. ગુજરાત રાજય બિનઅનામત વર્ગોના આયોગની રાજય સરકારે ગત પ ઓકટોમ્બર ર૦૧૭થી રચના કરી છે. જેના છ મહિના બાદ હવે પાટનગરમાં સેકટર ૧૦ કર્મયોગી ભવન બ્લોક-૧ના છઠ્ઠા માળે એ-ર વીંગમાં આ આયોગની કચેરી કાર્યરત કરવામાં આવશે. આ આયોગના અધ્યક્ષ હંસરાજ ગજેરા, ઉપાધ્યક્ષ રસ્મીભાઈ પંડયા અને સભ્ય તરીકે નરેન્દ્ર શાહ, હસમુખ ભગદેવ તથા પ્રદિપસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે અને ડો. દિનેશ કાપડિયા આ આયોગના મેમ્બર સેક્રેટરી તરીકે ફરજ બજાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજયમાં પાટીદાર આંદોલન બાદ બિનઅનામત વર્ગને ખુશ કરવા માટે ભાજપ સરકાર દ્વારા ગુજરાત રાજય બિનઅનામત વર્ગોના આયોગની રચના કરવામાં આવી હતી. ગુજરાત રાજયમાં બિનઅનામત વર્ગને પણ અનામતનો લાભ આપવાની માગણી સાથે સમગ્ર રાજયમાં પાટીદાર આંદોલન થયું હતું જેમાં પાટીદારો ઉપરાંત બ્રાહ્મણો અને ક્ષત્રિયો સહિત અન્ય સમાજ વર્ગો દ્વારા ઉગ્ર આંદોલન સાથે ઓબીસીની જેમ અનામત આપવાની માગણી કરવામાં આવી હતી. આ આંદોલનમાં ૧૪ જેટલા યુવાનોનો ભોગ લેવાયો હતો સાથે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ સત્તા છોડવી પડી હતી. તેના પરિણામે ભાજપ સરકાર દ્વારા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જબરદસ્ત પછડાટ મળતા ખાસ કરીને પટેલોને ખુશ કરવા વિવિધ યોજનાઓ સાથે પ્રયત્નો કરાયા હતા. જેમાં મેડિકલ અભ્યાસ માટે ફી માફીથી લઈ યુવા સ્વરોજગાર જેવી સ્કીમ લાવવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ પરિણામ ન દેખાતા ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાત રાજય બિન અનામત વર્ગોના આયોગની રચના કરવામાં આવી હતી.