(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
ત્રિરંગા યાત્રાથી પાટીદારોના ઠરી ગયેલા જોશને ફરીથી બેઠું કરવાનો પ્રયાસ કરનાર પાસની મુરાદ પર પાણી ફેરવતા વહીવટી તંત્રએ સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં લાગેલા ત્રિરંગા યાત્રાના બેનર ઉતારી લેતાં પાટીદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
સુરતમાં ફરી વખત સક્રિય થયેલા પાસના કાર્યકરો દ્વારા ૨૬ મી તારીખે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં દેશભક્તિની સાથે સાથે પાસના કાર્યકરો પરના કેસ પરત ખેંચવા, ખેડૂતો પર થતાં અત્યાર અને દિલ્હીમાં થઈ રહેલા આંદોલનને સમર્થન આપીને ખેડૂત વિરોધી બિલ પરત ખેંચવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
પાસના કન્વિનર ધાર્મિક માલવિયા કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. તેમણે બેનર ઉતારનાર સામે ફરિયાદ કરવા માટે પોલીસમાં રજૂઆત કરી છે. તાજેતરમાં મહાનગર પાલિકાની ચૂંટણી ઢુંકડી હોવાથી સરકારના પેટમાં તેલ રેડાયું છે. ત્રિરંગા યાત્રાથી સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ભાજપ વિરોધી માહોલ ઉભો થઈ શકે છે અને ભાજપને તેની મોટી કિંમત ચુકવવી પડે એમ હોવાથી વહીવટી તંત્ર ભાજપનો હાથો બનીને એક તરફી કાર્યવાહી કરી રહી છે. કદાચ ૨૬મીએ યાત્રા પણ કાઢવા ન દેવાયે એવી અટકળો વહેતી થઈ છે.