અમદાવાદ, તા.ર૭
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ હવે રાજકારણમાં એન્ટ્રી મારવાની તૈયારી કરી રહ્યો છે. હાર્દિકે સમાજ સેવા કરવા માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, મને લોકસભાની ચૂંટણી લડવાની ઓફર આપી છે. ત્યારે સમાજની સેવા કરવા માટે હું ચૂંટણી લડીશ હાર્દિકના લોકસભા ચૂંટણી લડવાના નિવેદન બાદ પાસમાંથી રાજીનામું આપીને વિધાનસભાની ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હાર્દિકનું રાજકારણમાં આવવું તે તેનો અંગત નિર્ણય છે. હાર્દિક રાજકારણમાં આવે તો તેનું સ્વાગત છે. જ્યારે પૂર્વ પાસના કન્વિનર નિખિલ સવાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, સમાજના કારણે હાર્દિકનું કદ મોટું થયું છે. ત્યારે હાર્દિકે સમાજનો અભિપ્રાય લઈને જ ચૂંટણી લડવી જોઈએ. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, હાર્દિકના નિર્ણયનું સ્વાગત છે. હાર્દિક જેવા સારા નેતાની જરૂર છે.