અમદાવાદ, તા. ૨
ખેત તલાવડી કૌભાંડ બાદ વલસાડ અને ડાંગ જિલ્લામાં પાણીના ટાંકા કૌભાંડમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે. અને પાણીના ટાંકા કૌભાંડ અંતર્ગત ACB ૧૭ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લાના મોટી ઢોલડુંગરી, કરંજવેરી, ખટાણા ખાડા ગામમાં માત્ર કાગળ પર જ ૧૩ પાણીની ટાંકી બનાવી અંદાજે ૫૭.૪૬ લાખ રૂપિયાનું કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી આ કૌભાંડ કરાયું હોવાનું સામે આવતાં તપાસ શરૂ કરી છે. વલસાડ જિલ્લાના ધમરપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામના ખેડૂતોના કુલ નવ સર્વે નંબરોમાંના પાણીના ટાંકા અંગેની સમગ્ર તપાસ દરમિયાન સ્થળ વિઝીટ કરતાં અલગ અલગ નિવેદનો અને જરૂરી દસ્તાવેજો રેકોર્ડ અને બેંક સ્ટેટમેન્ટનો અભ્યાસમાં ખેડૂતો દ્વારા કોઈ અરજી જ ન કરવામાં આવી હોવા છતાં કુલ ૬ પાણીના ટાંકા ન બનાવ્યા હોવા છતાં બનાવ્યાનું દર્શાવી કુલ ૧૯ લાખ ૫૬ હજાર રૂપિયાનું બીલ બનાવાયું હતું. તેમજ ખટાણા ગામના ખેડૂતોના કુલ સાત તથા કરંજવેરી ગામના ખેડૂતોના કુલ ૨ સર્વે નંબરોમાં ટાંકા બનાવવાના રૂપિયા ૨૨ લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જ્યારે હકીકતમાં કોઈ જ ખેડૂતોએ અરજી પણ કરી ન હોતી છતાં બીલ બનાવીને રજૂ કરી રૂપિયા ઉચાપત કર્યા હતા. તથા ખાંડા ગામના ખેડૂતોના કુલ ૧૦ સર્વે નંબરોમાં ગત તારીખ ૪ ડિસેમ્બર ૨૦૧૭થી ૯ ડિસેમ્બર ૨૦૧૭ના સમયગાળા દરમિયાન ૧૦ પાણીના ટાંકા બનાવવાના હતા. તેમાંથી ૯ ટાંકા બનાવી જેમાં એક ટાંકા દીઠ ખોટા બીલ મુક્યાનું સામે આવ્યું હતું.