અમદાવાદ, તા.૧૪
નર્મદાના પાણીને લઈને ગુજરાત સરકાર અને નર્મદા નિગમે રહસ્યમય વલણ અખત્યાર કર્યું છે. ચૂંટણી પહેલાં પુષ્કળ પાણી હતું પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ પાણીની અછત શરૂ થઈ ગઈ. મુખ્ય સચિવ અને નર્મદા નિગમના ચેરમેને ગતરોજ જે નિવેદન આપ્યું તેનાથી સાફ સંકેત મળે છે કે પાણીની અછત માત્ર ખેડૂતો માટે જ છે. ઉદ્યોગોએ ચિંતા કરવાની જરૂર નથી એમ જણાવી ખેડૂત સમાજ (ગુજરાત)ના મહામંત્રી સાગર રબારીએ ખેડૂતોને પાણી આપો નહીંતર શિયાળું અને ઉનાળુ પાકના નુકસાનનું વળતર ચૂકવો તેવી માંગ કરી છે. મુખ્ય સચિવ અને નર્મદા નિગમના ચેરમેને પત્રકાર પરિષદ સંબોધી, હિસાબ આપવાને બદલે પાણીની અછત અને કરકસરની વાત કરી. ખેડૂતોના પશુઓ માટેના ઘાસચારો અને બીજા પાકો સરકારે જોખમમાં મૂકયા. એથી આગળ વધી ૧પ માર્ચ સુધી પાણી આપવાની વાત કરી હતી તે ફેરવી તોળી ૧પ ફેબ્રુઆરીથી સિંચાઈના પાણી બંધ કરી દેવાનું જાહેરનામું બહાર પાડી ખેડૂતોના શિયાળુ પાકો એક-બે પાણી ના મળે તો નુકસાન જવાની વાત કરી કે તરત જ મુખ્ય સચિવે ડેમમાં પૂરતું પાણી હોવાનું નિવેદન કરી દીધું !
ખેડૂતોના પાક/આજીવિકા બચાવવાની વાત સરકારે કાને ના ધરી, સરકારને બિલકુલ ના સંભળાઈ. ઉલટા એસ.આર.પી.ની બીક બતાવવાની શરૂ કરી દીધી. બીજી તરફ જેવી ઉદ્યોગોએ નુકસાનની વાત કરી કે તરત જ મુખ્ય સચિવ તરફથી નિવેદન આવી ગયું કે, ડેમમાં પૂરતું પાણી છે !! આનો મતલબ એટલો જ કે, સરકાર મુખ્ય સચિવના માધ્યમથી ઉદ્યોગોને સાફ સંકેત આપી રહી છે કે પાણીની અછત માત્ર ખેડૂતો માટે છે. ઉદ્યોગોએ હરગીજ ચિંતા કરવાની નથી. પોતાનો પાક બચાવવા મથતા ખેડૂતોને ગોળીએ દઈને પણ ઉદ્યોગોને આનાપાઈનું નુકસાન આ ઉદ્યોગપ્રેમી સરકાર નહીં થવા દેવા કટિબદ્ધ છે !!
ઉદ્યોગોને સંપૂર્ણ સમર્પિત સરકાર અને સ.સ.ન.નિ.ને અમારો સવાલ છે કે તમે પાણી નથી આપી શકતા તેને કારણે ખેડૂતોને શિયાળુ પાકમાં જે કંઈ નુકસાન થાય તેનું વળતર કોણ ચૂકવશે, કયારે ચૂકવશે અને કેટલું ચૂકવશે ? હાલ ખેડૂતોમાં ઉગ્ર રોષ છે. ભવિષ્યમાં પાણીને લઈને કોઈ અનિચ્છનીય ઘટનાઓ ઘટે, ઉગ્ર આંદોલન ફાટી નીકળે તો એની સંપૂર્ણ જવાબદારી સ.સ.ન.નિ. અને ગુજરાત સરકારની રહેશે.