(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૫
૨૧મી ઓકટોબરે અમદાવાદના વિશાલા સર્કલ પાસે પાણીની ચેમ્બરમાં પડતા બે મજૂરોનાં મોત થવાની ઘટનામાં કોન્ટ્રાક્ટરે વીમાની રકમ ઉપરાંત ૩-૩ લાખ વળતર પેટે ચૂકવ્યાની માહિતી સરકારી વકીલે કોર્ટને આપી. વધુ સુનાવણી ૯ ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતના હવે કોઈ સફાઇ કર્મીને ગટર સાફ કરવા ગટરમાં નહીં ઉતારવામાં આવે એવી રાજ્ય સરકારની હાઇકોર્ટ સમક્ષની બાંયધરી અને પરિપત્ર હોવા છતાં ગત ૨૧મી ઓકટોબરે અમદાવાદના વિશાલા સર્કલ પાસે પાણીની ચેમ્બરમાં પડતાં બે મજૂરોનાં મોત થયા હતા. આ ઘટના હાઇકોર્ટમાં રજૂ કરાઇ હતી. હાઇકોર્ટ દ્વારા આ વિશે સરકારને વળતર આપવા સહિત જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જેના સંદર્ભે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે, પાણીની ચેમ્બરમાં પડતા મજૂરોનાં મોતની ઘટના બની હોવાથી મેન્યુઅલ સ્કેવેંજિંગ એક્ટ લાગુ થતો નથી તથા આ મુદ્દે એફ.આઈ.આર. નોંધવામાં આવેલ છે. હાઇકોર્ટે કહ્યું હતું આ ઘટનામાં કેટલું વળતર આપવામાં આવશે, તે હાઇકોર્ટ જાણવા માંગે છે, તેથી સરકારી વકીલે ઉપરોક્ત વળતર વિશેની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાલા સર્કલ પાસે બંધપાણીની ચેમ્બરનું કામ ચાલી રહ્યું હતું. જેમાં ૩ મજૂરો માપણી કરવા ઉતાર્યા હતા, જેમાં પટકાવાથી ૨ મજૂરનાં મોત થયા હતા તો એકને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા સેફટી વગર જ માપણી કરવા ઊતારવામાં આવ્યા અને મોત થયું, ત્યારે મૃતકોના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, સેફટી વગર ચેમ્બરમાં ઉતરતા ગૂંગળામણથી મોત થયા છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદના જિલ્લાના પ્રાંતિજમાં એક સફાઇ કર્મીનું ગટરમાં ગૂંગળાવવાથી મોત થતા હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. આ મુદ્દે સરકારને જવાબ રજૂ કરવા અને સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો. મેન્યુઅલ સ્કેવેંજિંગ એટલે કે, હાથથી થતી ગટરની સફાઇની પ્રથા નાબૂદ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં રાજ્યમાં યોગ્ય કાર્યવાહી ન થઈ રહી હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે આ આદેશ કર્યો હતો. જસ્ટિસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ વી.પી. પટેલની ખંડપીઠ સમક્ષ અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારે ૧૬-૧૨-૨૦૧૬ના રોજ પરિપત્ર જારી કરી નિશ્ચિત કર્યું હતું કે, કોઈ સફાઇ કર્મીને ગટર સાફ કરવા ગટરમાં નહીં ઊતારવામાં આવે. જો ગટર સાફ કરવા કોઈ સફાઇ કર્મીને ઉતારવામાં આવશે અને તેનું મોત થશે તો સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર કે મહાનગરપાલિકાના નોડલ ઓફિસર સામે ફોજદારી કાર્યવાહી કરવાની રહેશે. આમ છતાં ગત ૨૫મી સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા બદરજી કાંતિજી મસાર નામના સફાઇ કર્મીને જોઈ જરૂરી સાધન વગર ગટરમાં સફાઇ માટે ઉતારવામાં આવ્યા હતા અને અંદર ગૂંગળાવવાથી તેમનું મોત થયું હતું. આ મામલે હજુ સુધી પોલીસે ફરિયાદ નોંધી નથી. આ રજૂઆત બાદ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને નોંધ્યુ હતું કે, આ મુદ્દે સરકાર આ વ્યક્તિના મૃત્યુના કિસ્સા અંગે જવાબ અથવા સોગંદનામું રજૂ કરે. આ ઉપરાંત પ્રાંતિજ નગરપાલિકના ચીફ ઓફિસર સામે પગલાં લેવા પણ આદેશ કરવામાં આવ્યો હતો. આજની સુનાવણીમાં સરકારે વિગતવાર સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામાનો જવાબ રજૂ કરવા અરજદારને આદેશ કરવામાં આવ્યો હતો.
પાણીની ચેમ્બરમાં પડતાં બે મજૂરોનાં મોત થવાની ઘટનામાં કોન્ટ્રાક્ટરે વીમાની રકમ ઉપરાંત ૩-૩ લાખ વળતર પેટે ચૂકવ્યા

Recent Comments