(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬
આસામ નજીક ભારત સાથેની સરહદ પર ચીનનો સાથી ભૂતાન પાણી પુરવઠાને રોકી રહ્યું હોવાના અહેવાલ બાદ સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે, આ પાણીનો પુરવઠો કુરદરી રીતે રોકાયો છે અને બંને દેશો વચ્ચે કોઈ તંગદિલીભરી સ્થિતિ નથી. ગુરૂવારે આવેલા મીડિયા રિપોર્ટ અનુસાર ભારતને અપાતા કૃષિ માટેના પાણી પુરવઠાને થિમ્પુએ રોકી લીધો છે જેના કારણે આસામ સરહદ પાસેના ૨૫ ગામોને પાણી મળી રહ્યું નથી. કેનાલમાંથી આવતા પાણીના પુરવઠાને બંધ કરાતા કેટલાક ખેડૂતો વિરોધ નોંધાવતા હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા. એવા પણ અહેવાલો હતા કે થિમ્પુએ કેનાલનું પાણી ચીનના કહેવા પર રોક્યું હતું અને કોરોના વાયરસના ફેલાવાને રોકવાનું બહાનું બતાવ્યું હતું. જો કે, આસામના મુખ્ય સચિવે ખુલાસો કર્યો હતો કે, પાણી રોકાવાની ઘટનાનું ખોટી રીતે રિપોર્ટિંગ કરાયું છે. દરમિયાન ભૂતાનની તરફથી પણ કહેવાયું હતું કે, આસામને સરળ રીતે પાણી મળી રહે તે માટે તેઓ કેનાલનું રિપેરિંગ કામ કરાવી રહ્યા છે. ભૂતાનના વિદેશ મંત્રાલયે આ અંગે ફેસબૂક પોસ્ટ દ્વારા ખુલાસો પણ કર્યો હતો. તેમણે અહેવાલોને પાયાવિહોણા ગણાવીને કહ્યું કે, ભૂતાન અને આસામના મૈત્રીભર્યા સંબંધોમાં ગેરસમજ ઊભી કરવા માટે ખોટી માહિતી ફેલાવાઈ છે. ભૂતાને અસમના બક્સા જિલ્લામાં ખેડૂતો માટે સિંચાઈનું પાણી રોકી રાખ્યું છે. બક્સા જિલ્લાના ૨૬થી વધારે ગામડાઓના લગભગ ૬૦૦૦ ખેડૂત સિંચાઈ માટે માનવ નિર્મિત નહેર ડોંગ પરિયોજના પર નિર્ભર છે. વર્ષ ૧૯૫૩ બાદ ખેડૂતો સિંચાઈ માટે ભૂતાનની નદીઓના પાણીનો ઉપયોગ કરતાં આવ્યા છે. જો કે, હવે ભૂતાન તરફથી અચાનક પાણી રોકી દેવામાં આવતા ભારતીય ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી બક્સાના ખેડૂતો ભૂતાનના આ પગલા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગ છે કે, કેન્દ્ર સરકાર ભૂતાનની સરકાર સામે આ મુદ્દો ઊઠાવે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે. ભૂતાન સરકારે આ મામલે કહ્યું કે, વુહાનમાં ફેલાયેલી મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તેમણે આ પગલું ઊઠાવ્યું છે. ભૂતાનમાંથી જતું પાણી અટકાવામાં આવ્યું છે જેથી સંક્રમણને ફેલાવથી અટકાવી શકાય. બીજું ભૂતાને પોતાના દેશમાં વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.