(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૯
રાજ્યમાં વકરતાં રોગચાળાનો મામલે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે આજે સોગંદનામુ રજૂ કર્યું હતું જેમાં સરકાર દ્વારા રોગ કલ્યાણ સમિતિ હેઠળ ફ્રી સારવારની વાત કરવામાં આવે છે પરંતુ રજૂ કરાયેલા સોગંદનામામાં વિરોધાભાસી વલણ જોવા મળ્યું હતું. સરકારે વર્ષ ૨૦૧૭થી વર્ષ ૨૦૧૯ના જુલાઈ મહિના સુધીનાં બીમારીના આંકડા રજૂ કર્યા હતા. સરકાર દ્વારા બીજા રાજ્યો સાથે ગુજરાત રાજ્યના બીમારીના આંકડાની સરખામણી કરતા આંકડા રજૂ કરાયા હતા જેના પ્રમાણે ગુજરાત રાજ્ય બીમારી આંકડાઓમાં ભારતમાં ૪થા ક્રમે આવે છે. આ રજૂ કરાયેલા બીમારી આંકડા યોગ્ય ન હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો. જેથી આ મામલે હાઇકોર્ટે વધુ સુનાવણી ૫મી સપ્ટેમ્બરના રોજ રાખી છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં થયેલ અત્યંત વધારા મુદ્દે હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ કરવામાં આવી હતી. આ રીટમાં અરજદાર દ્વારા હાઇકોર્ટમાં ૨૦ ઓગસ્ટે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાણી અને મચ્છરજન્ય રોગો તથા સ્વાઇન્ફ્લુ રોકવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઇ છે. આ સોગંદનામામાં સ્વાઈનફલૂ તથા અન્ય પાણી અને મચ્છરજન્ય રોગો સંબંધિત જે ડેટા લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા, તે મૂકાયા હતા. સરકાર રાજ્યમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો ડામવામાં સરેઆમ નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ આ રિટમાં કરાયો છે. હાઇકોર્ટે આ સંદર્ભે સરકારને ૨૯ ઓગસ્ટ સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો હતો અને વધુ સુનાવણી ૨૯ ઓગસ્ટે રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના આરોગ્ય વિભાગ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોએ કરેલા સોગંદનામામાં એવી કબૂલાત કરી છે કે સ્વાઇન ફલૂ અને અન્ય બિમારીઓની સારવાર અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ હોસ્પિટલોમાં કેસ પેપર ચાર્જના નામે અમૂક ફી વસૂલાય છે. વિવિધ ટેસ્ટ અને સુવિધાઓ માટેની ફીની માહિતી પણ સરકારી હોસ્પિટલમાં હોય છે. સંસદના ચોમાસું સત્રની પ્રશ્નોત્તરીના જવાબમાં જણાવેલી હકીકત જોતાં વર્ષ ૨૦૧૯માં સ્વાઇન ફલૂના ગુજરાતમાં ૪૭૭૨ કેસો નોંધાયેલા છે. દેશમાં સૌથી વધુ સ્વાઇન ફલૂના કેસમાં ગુજરાત બીજા સ્થાને આવે છે. સૌથી મોખરાનું સ્થાન રાજસ્થાન ધરાવે છે ત્યાં ૫૦૨૧ કેસો નોંધાયેલા હતા. તે જ રીતે સ્વાઇન ફલૂમાં મૃત્યુના કિસ્સામાં ગુજરાત ત્રીજું સ્થાન ધરાવે છે. સૌથી વધુ રાજસ્થાનમાં ૨૦૫, મહારાષ્ટ્રમાં ૧૮૯ અને ગુજરાતમાં ૧૪૯ દર્દીઓના મૃત્યુ થયા હતા.
પાણી અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મામલે સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી

Recent Comments