અમદાવાદ,તા.૨૫
અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા ૨થી ૩ ઈંચ વરસાદે મ્યુનિસિપલ તંત્રની પોલ ખુલ્લી પાડતો ચમત્કાર સર્જાયો હતો. આટલા ઓછા વરસાદમાં બારે માસ ખાલીખમ ક્રિકેટનાં મેદાન જેવું રહેતું થલતેજનું મહિલા ગાર્ડનનું તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું. પરંતુ તેની ખુશી થવાના બદલે આસપાસના લોકોને કંઈક ખોટું થયાની ગંધ આવી જતાં તપાસ શરૂ કરી હતી અને જાણવા મળ્યું હતું કે આ તળાવ વરસાદી પાણીથી જ નહીં પણ ગટરનાં પાણીથી ભરાયું છે. સ્થાનિક રહીશોની ફરિયાદના પગલે મ્યુનિસિપલ તંત્રએ ‘ડી વોટરિંગ’ વાનનો સહારો લઈને તળાવ ઉલેચવાનું શરૂ કરી દીધું. જોકે આવડું મોટું તળાવ ઉલેચતાં તંત્રને ૩ થી ૪ દિવસ લાગશે. મહિલા ગાર્ડનમાં વોક કરવા આવતાં બાળકોને રમવા માટે લાવતી મહિલાઓએ ગાર્ડનમાં બદબૂ આવતી હોવાની ફરિયાદ તંત્રને કરી હતી. ગાર્ડનમાં રહેતા સિક્યોરિટીએ પણ આ બાબતે જાણ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પરંતુ પાણી પહેલા પાળ બાંધી નહોતી એટલે વરસાદી પાણીની આવક સાથે જ ગટરનાં પાણીએ પણ તળાવમાં એન્ટ્રી લેતાં તળાવ ગટરનાં પાણીથી છલકાઈ ઉઠ્યું છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ જળ સંચય યોજના અનુસાર શહેરના તમામ તળાવોને ઊંડાં કરવા ઉપરાંત સફાઈની કામગીરી હાથ ધરવાની હતી પરંતુ આ કામગીરીમાં આ તળાવને સંપૂર્ણપણે ઉપેક્ષિત રખાયું હતું. આ અંગે નવા પશ્ચિમ ઝોનના સિટી એન્જિનિયર ઋષિભાઈ પંડ્યાએ કહ્યું હતું કે તળાવ તો વરસાદના કારણે ભરાયું છે પરંતુ તળાવમાં ચોખ્ખું વરસાદી પાણી ભરાયું છે તો ડી વોટરિંગ વાન દ્વારા પાણી ઉલેચવાનું શા માટે શરૂ કરાયું તેવો પ્રશ્ન ઉપસ્થિત કરાતાં જ તેમણે ખુલાસો કર્યો હતો કે સ્ટોર્મ વોટર (વરસાદી પાણી)ના નિકાલ માટેની પાણીની પાઈપલાઈનમાં આસપાસનાં મકાનો કે સોસાયટી કે કોમર્શિયલ બિલ્ડિંગમાંથી ગટરની પાઈપલાઈન પણ જોડી દેવાતાં આ ઘટના બની છે.