અમદાવાદ, તા.૩૦
કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનની બેઠક આજરોજ રાજકોટમાં યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટના જ્યુબીલી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ ભાજપ પર પ્રહારો કરતાં ભરતસિંહે જણાવ્યું હતું કે ભ્રમિત અને ભ્રષ્ટાચારી ભાજપથી પ્રજા થાકી ગઈ છે. ભાજપ પાણી અંગેના તેના આયોજનમાં સદંતર નિષ્ફળ નીવડી છે. હવે નર્મદાના મુદ્દે યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલન કરતાં પણ ખચકાઈશું નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ તબક્કે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ બહુમતી નગરપાલિકા પર કબજો જમાવશે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો અપાવવામાં સૌરાષ્ટ્રની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહી હતી. એટલે સૌરાષ્ટ્રની નગરપાલિકાઓમાં પણ કોંગ્રેસ જીત મેળવશે જ તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસ દ્વારા રાજકોટના રૈયારોડ ખાતેના પ્રમુખ સ્વામી હોલમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ચૂંટણીનો તખ્તો ઘડવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો અને ઝોનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન પાટણ તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખે ‘‘પાણી નહીં આપો તો પ્રજા વધુ સળગાવી દેશે’’ તેવું ભડકાઉ ભાષણ આપ્યું હતું તે અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે આ નિવેદન થયું છે કે નહીં તેની મને જાણ નથી શું સાચું છે તે અંગે તપાસ કરીશું.