અમદાવાદ,તા. ૧૦
સુરત એરપોર્ટ નજીક સાયલન્ટ ઝોનમાંથી એક ખેડૂત દંપતિએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કરતાં રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. પાછલા કેટલાક વર્ષોમાં રાજયમાં ખેડૂતોની કફોડી હાલતને લઇ તેઓની આત્મહત્યામાં ચિંતાજનક હદે વધારો થઇ રહ્યો છે ત્યારે આજના ખેડૂત દંપતિની આત્મહત્યાના બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો બીજીબાજુ, ખેડૂતોના મુદ્દે ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ઓલપાડના કપાસી ગામ ખાતે જયેશ મણીલાલ પટેલ(ઉ.વ.૪૫) પરિવાર સાથે રહેતા હતા. જયેશભાઈ ગામમાં જ ડાંગરની ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. આજે જયેશભાઈ અને તેમના પત્ની રીટાબહેન સુરત એરપોર્ટ નજીક આવેલા સાયલન્ટ ઝોનમાંથી રહસ્યમય સંજોગોમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક નજીકની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખેસડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં આ ખેડૂત દંપતિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. મૃતક જયેશભાઇના સંબંધીના જણાવ્યા પ્રમાણે, જયેશભાઈ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. તેમના પત્ની રીટાબહેન ઘરકામ કરતા હતા. જયેશભાઈ ગામમાં જ ડાંગરની ખેતી કરતા હતા. ડાંગરની ખેતીમાં પાણીની ખૂબ જ જરૂરીયાત રહે છે.
જોકે, કપાસી ગામમાં નહેરનું પાણી પહોંચ્યું ન હતું. જેથી ટેન્કર મારફતે પાણી મગાવવું પડે છે. જયેશભાઈની આ વર્ષે ડાંગરની ખેતી નિષ્ફળ ગઈ હતી અને તેને લઇ તેઓ ભયંકર આર્થિક તંગીમાં સપડાઇ ગયા હતા. આર્થિક તંગીના કારણે તેઓએ આ પગલું ભર્યું હોઇ શકે. જયેશભાઈના પરિવારજનોએ જણાવ્યું હતું કે, જયેશભાઈએ ગામમાંથી જ એક વ્યક્તિ પાસેથી દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. દરમિયાન ડાંગરનો પાક નિષ્ફળ જતા વ્યાજ ચૂકવી શક્યા ન હતા. જેથી ઉધરાણી શરૂ થઈ ગઈ હતી. આર્થિક પાયમાલીના ખપ્પરમાં આખરે આ ખેડૂત દંપતિએ પોતાનું જીવન હોમી દીધું હતું. મચી ગયો છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ પણ સમગ્ર ઘટનાની ગંભીરતાને લઇ ભાજપ સરકારને આડા હાથે લેતાં જણાવ્યું હતું, ભાજપના રાજમાં ખેડૂતો પાણી, પાકવીમા, પોષણક્ષમ ભાવોના અભાવ સહિતના વિવિધ કારણોસર આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતોની આત્મહ્‌ત્યાના બનાવો ઘણા ચિંતાજનક અને ગંભીર છે. આજના ખેડૂત દંપતિની આત્મહત્યા એ ભાજપ સરકારની નિષ્ફળતા અને ખેડૂત વિરોધી નીતિને ઉજાગર કરે છે. સરકારે નૈતિકતાના ધોરણે તેની જવાબદારી સ્વીકારવી જોઇએ અને મૃતકના સંતાનોનો અભ્યાસ ખર્ચ સહિતની તમામ જવાબદારી ઉપાડી લેવી જોઇએ. કોંગ્રેસ ખેડૂતોના હિત અને ક્લ્યાણ માટે આગામી દિવસોમાં ભાજપ સરકારને મક્કમતા સાથે લડત આપશે અને ખેડૂતોને ન્યાય અપાવશે.