વડોદરા તા.૨૧
પાદરા-જંબુસર રોડ ઉપર ફૂલબાગ જકાતનાકા પાસે પૂરઝડપે આવતી ખાનગી કંપનીની લક્ઝરી બસે બે સગા ભાઇ સહિત પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંને માસૂમ ભાઇઓના મોત નિપજ્યા છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જતા પોલીસ પણ ઘસી આવી હતી. લાંબો સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પાદરામાં હીરો શો રૃમની નજીક રોડ પર રહેતા શ્રમજીવી પરિવારના રમેશ બાબુભાઇ સોનાનીના બે પુત્રો વિશાલ (ઉ.વ.૧૩ અને ભોલું (ઉ.વ.૬) પિતા પાસેથી રૂા.૨૦ લઈને પાણીપુરી ખાવા નીકળ્યા હતાં. પાણીપૂરી આરોગી બંને સગાભાઈ પરત ઘરે ફરતા હતા ત્યારે પૂરઝડપે આવતી જે.જી. ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતા રોડની સાઇડ પરથી પસાર થતાં બંને ભાઇઓ સહીત અન્ય પાંચ વાહનોને અડફેટમાં લેતા મોટો અકસ્માત સજાયો હતો. ગમખ્વાર અકસ્માત કર્યા બાદ જે.જી.ટ્રાવેલ્સની બસનો ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. જંબુસર તરફથી પૂરઝડપે આવતી ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવી રોડ પર ચાલતા બે બાળકોને અડફેટે લીધા બાદ નગરપાલિકા તેમજ પોલીસની મહેરબાનીથી પાર્ક કરેલ ગેરકાયદે વાહનોને અડફેટે લઇ ડિવાઈડર કૂદાવી બસે રોંગસાઈડ પરના ગેરેજ તેમજ નાસ્તાની લારીઓ પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા હતા. બસ ચાલકની ખાલી સાઈડ પર પાર્ક કરેલ આઈસર ટેમ્પો અને વરસાદી કાંસ પાસેની કારને અડફેટે લઇ બસ ચાલકે ડિવાઈડર કુદાવી રોંગ સાઇડની ખાલી સાઈડ પર મૂકેલા ૩ બાઈકોનો કચ્ચારધાણ વાળી દીધો હતો. આ સ્થળે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. અકસ્માતનો ભોગ બનેલા ભાઇઓને સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં બંનેના મોત નિપજ્યાં હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. હોસ્પિટલ દોડી ગયેલા બંને ભાઇઓના માતા-પિતાએભારે આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે બનાવ અંગે બસ ના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.