ગોધરા, તા. ર૩
ખેડૂતોની જમીન સંપાદનનું વળતર ચૂકવવામાં કસુર કરનાર પાનમ જળાશય યોજના કચેરીનું વાહન જપ્ત ગોધરા સિવિલ કોર્ટ દ્વારા જપ્ત કરાયું હતું.
પંચમહાલ જિલ્લાના જસીરપુર ગામમાં પાનમ જળાશય સિંચાઈ યોજના માટે સરકાર દ્વારા નસીરપુર ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી. તે જમીનના વળતરની રકમ સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં ન આવતાં અરજદારોએ વળતરની રકમ વસૂલ મેળવવા ગોધરા કોર્ટમાં દરખાસ્ત અરજી દાખલ કરી હતી. ગોધરા સિવિલ કોર્ટના હુકમ હોવા છતાં પાનમ જળાશય યોજના દ્વારા ખેડૂતોને આ રકમ ચૂકવવામાં ન આવતા અરજદાર વકીલ યુસુફભાઈ ચરખાની રજૂઆતને ધ્યાનમાં લઈ આખરે અદાલતે સરકાર સામે લાલ આંખ કરીને ખેડૂતોને વળતરની રકમ રૂપિયા પ,૧પ,૪૩૦/- વસૂલ અપાવવા ગોધરાના પ્રિન્સીપાલ સિવિલ જજ જે.બી. પરીખે સરકારની જંગમ મિલકતો જપ્તીમાં લેવાનો હુકમ કરેલ અને ગોધરા સિવિલ કોર્ટના હુકમ મુજબ કોર્ટના બેલીફએ જંગમ વોરંટનો અમલ કરીને પાનમ જળાશય યોજના ગોધરાના એક્ઝીક્યુટિવ એન્જિનીયરનું ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું સરકારી વાહન નંબર જીજે.૧૭.જી.૦૭૭૦ જપ્તીમાં લઈને સિવિલ કોર્ટ મૂકામે કોર્ટની કસ્ટડીમાં રાખેલ છે. જો સમય મર્યાદામાં સરકાર ખેડૂતોના વળતરની રકમ ચૂકવીને આ જપ્ત કરેલ વાહન કોર્ટમાંથી છોડાવી નહીં જાય તો ટૂંક સમયમાં આ વાહન જાહેર હરાજીથી વેચાણ કરાવીને ખેડૂતોના વળતરની રકમ વસૂલ મેળવવામાં આવશે.