(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૭
ગુજરાતમાં અને દેશભરમાં જે રીતે કોરોના વાયરસનો કેર વધી રહ્યો છે. એ જોતા સૌથી કફોડી હાલત હોય તો દેશના દરેક પ્રાંતમાંથી ગુજરાતમાં રોજગાર અર્થે સ્થાયી થનારા શ્રમિકોની છે. ઔદ્યોગિક વસાહત હોવાના પગલે અંકલેશ્વર તેમજ પાનોલીમાં ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાંથી શ્રમિક યુવાનો વર્ષોથી રોજગાર માટે વસ્યા છે. હાલ કોરોના વાયરસના કેરને પગલે તમામ ઉદ્યોગો બંધ છે, તેમજ સ્થાનિક કક્ષાએ પણ કોઇ વ્યવસાય તેમને મળતો નથી. આ શ્રમિકો પોતાના વતન પણ જઇ શકતા નથી. તેઓને બે ટંક ભોજન સહિતની વ્યવસ્થાના પણ ફાંફાં પડી રહ્યા છે. આવા જ ૭૦ જેટલા બિહારના શ્રમિકો પાનોલી ખાતે સાવ નિરાધાર દિવસો કાઢી રહ્યા છે. આ અંગે રાષ્ટ્રીય જનતા દળને માહિતી મળતા બિહાર રાષ્ટ્રીય જનતા દળના નેતા દ્વારા ટિ્‌વટ કરીને રાજ્યસભા સાંસદ તેમજ અંકલેશ્વરના વતની એવા અહમદ પટેલને રજૂઆત કરાઇ હતી. જેને પગલે અહમદ પટેલે અંકલેશ્વરના સ્થાનિક કોંગ્રેસી આગેવાનોને જાણ કરીને આ શ્રમિકોની વહારે જઈ તેઓને રાશનની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. અહમદ પટેલની સૂચનાના પગલે અંકલેશ્વર કોંગ્રેસના અગ્રણી મગનભાઈ માસ્તર ઉપરાંત નવલસિંહ જાડેજા, સોહેલ પટેલ સહિતના આગેવાનોએ પાનોલી ખાતે રેલવે સ્ટેશન પાસે જ એક એપાર્ટમેન્ટમાં રહેતા ૭૦ જેટલા બિહારી શ્રમિકોને રાશન પહોંચાડ્યું હતું.