માઉન્ટ માઉગાનૂઈ, તા.૧૬
ત્રણ વખતના ચેમ્પિયન ભારતે પાપુઆ ન્યુ ગિનિને દસ વિકેટે હરાવી આઈસીસી અન્ડર-૧૯ વિશ્વકપની કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. કપ્તાન પૃથ્વી શોએ આક્રમક અર્ધસદી ફટકારી જ્યારે સ્પિનર અનુકૂલ રાયે પહેલીવાર પાંચ વિકેટ ઝડપી. બંને ભારતની શાનદાર જીતના સૂત્રધાર રહ્યા. રાયે ૧૪ રનમાં પાંચ વિકેટ ઝડપી. આ પહેલાં કપ્તાન પૃથ્વીએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ઓવિયા સૈમ (૧પ) અને સિમોન અતાઈ (૧૩) સિવાય પાપુઆ ન્યુ ગિનીનો કોઈ બેટસમેન ટકી શક્યો નહીં. પૂરી ટીમ ર૧.પ ઓવરમાં ૬૪ રનમાં સમેટાઈ થઈ. જે આ ટુર્નામેન્ટનો અત્યાર સુધીનો લોએસ્ટ સ્કોર છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૧૦૦ રને હરાવનાર ભારતે આઠ ઓવરમાં જ વિના વિકેટે લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો. શોએ ૩૯ બોલમાં ૧ર ચોગ્ગાની મદદથી પ૭ રન બનાવ્યા. આ ટુર્નામેન્ટમાં તેની બીજી અર્ધસદી છે.