(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
રાજસ્થાન સરકારમાં સંકટ વધતા અને ભાજપે વિશ્વાસ મતની વાતો શરૂ કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, સચિન પાયલટ ભાજપના હાથમાં રમે છે અને તેમની બળવાખોરી ભાજપના ષડયંત્રનો ભાગ છે. કોંગ્રેસ દ્વારા સચિન પાયલટ અને તેમના વિશ્વાસુ બે ધારાસભ્યોને તેમના મંત્રીપદેથી હાંકી કાઢ્યા છે. સવારે બેઠક બાદ ગેહલોતે પોતાના ડેપ્યુટી વિરૂદધ લેવાયેલા પગલાંને યોગ્ય ગણાવ્યા હતા. પાયલટનું નામ લઇને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હાઇકમાન્ડે નિર્ણય લેવો જ જોઇતો હતો કારણ કે, લાંબા સમયથી ભાજપ ષડયંત્ર રચી રહ્યો હતો અને સોદાબાજી કરી રહ્યો હતો. ગેહલોતે વધુમાં કહ્યું કે, અમે જાણતા હતા કે આ મોટું ષડયંત્ર છે. હવે આમાંથી તેના કારણે અમારા કેટલાક મિત્રો ભટકી ગયા છે અને દિલ્હી પહોંચ્યા છે.
પત્રકારો સાથે વાત કરતા ગેહલોતે કહ્યું કે, અમને ખુશી નથી આ નિર્ણય મજબૂર થઇને લેવો પડ્યો છે. અમારા ત્રણ સાથી છેલ્લા છ મહિનાથી આવું વર્તન કરી રહ્યા છે. મેં આ લોકોની ફરિયાદ હાઇકમાન્ડને પણ કરી ન હતી. તેમ છતાં તેમનું વલણ છ મહિનાથી આ બૈલ મુઝે માર જેવું રહ્યું છે. તેઓ દરરોજ ટિ્‌વટ કરીને નિવેદનો આપતા હતા. મેં તમામ ધારાસભ્યોનાી વાત સાંભળી છે અને તેમના કામ કર્યા છે. કોઇની સાથે ભેદભાવ નથી કર્યો તેઓ પોતે જાણે છે. અમે પૂરા પ્રયાસ કર્યા તેમ છતાં જોયું કે, સોદા થઇ ચૂક્યા છે અને ભાજપ સાથે નજીકના સંબંધ બંધાઇ ગયા છે. સચિન પાયલટના હાથમાં કશું જ નથી પરંતુ એક ટીમ છે જે ભાજપના હાથમાં રમી રહી છે. રિસોર્ટ બૂક કરવામાં બધી વ્યવસ્થા ભાજપની છે. જે ટીમે પહેલા મધ્યપ્રદેશમાં વ્યવસ્થા કરી હતી તે જ ટીમે આ વ્યવસ્થા કરી છે.