(એજન્સી) જયપુર/નવી દિલ્હી, તા.૧૪
મધ્યપ્રદેશમાં સરકાર ગુમાવ્યાના ત્રણ મહિના બાદ જ હવે રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સરકાર સંકટમાં આવી ગઇ છે. કેન્દ્રની નેતાગીરી દ્વારા સતત મળવાનો પ્રયાસ કરવા છતાં ધારાસભ્યોની બે બેઠકોમાં સામેલ ન થતા બળવાખોર સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી પદ તથા કોંગ્રેસના રાજ્યના પ્રમુખ પદેથી બરતરફ કરાયા છે. તેમની સાથે રહેલા અન્ય બે મંત્રીઓને પણ મંત્રાલય પદેથી હાંકી કઢાયા છે. જેમાં પાયલટના વિશ્વાસુ વિશ્વેન્દ્રસિંહ અને રમેશ મીણાનો સમાવેશ થાય છે. કેબિનેટમાંથી ત્રણેયની હકાલપટ્ટીની જાહેરાત કરતા કોંગ્રેસે કહ્યું હતું કે, સચિન પાયલટ ગેહલોત સરકાર તોડવાના ભાજપના જાળમાં ફસાયા છે. મુખ્યમંત્રી પદની સતત માગ કરનારા સચિન પાયલટ હવે જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ કોંગ્રેસમાંથી બાદબાકી નક્કી થઇ ગઇ છે. અશોક ગેહલોત ત્યારબાદ રાજ્યપાલ કલરાજ મિશ્રને મળ્યા હતા અને કહ્યું હતું કે, સરકાર તોડવા ભાજપે ષડયંત્ર રચ્યું છે. સચિન પાયલટના સ્થાને રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદસિંહ ડોટાસરાને કોંગ્રેસના પ્રમુખ બનાવાયા છે. જ્યારે હેમસિંહ શેખાવતને રાજ્યના સેવાદળ પ્રમુખ બનાવાયા છે. દરમિયાન મોડી સાંજે અશોક ગેહલોતના ઘરે ફરીવાર કેબિનેટની બેઠક બોલાવાઇ હતી.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. સચિન પાયલટે કેબિનેટમાંથી બાદબાકી બાદ ટિ્‌વટ કર્યુ કે, સત્યને દબાવી શકાય પણ પરાજિત ના કરી શકાય. આજે મારા સમર્થનમાં જે લોકો આવ્યા છે તેમનો દિલથી આભાર અને કૃતજ્ઞતા છે. તેમના સમર્થકોએ જણાવ્યું હતું કે પાયલટનું જાહેરમાં અપમાન ચલાવી લેવાય તેમ નથી.
૨. મુખ્યમંત્રી અશોક ગેહલોતની છાવણીમાં ધીમે-ધીમે સંખ્યાબળ ઓછું થઇ રહ્યું છે પરંતુ હજુ તેની પાસે કુલ ૧૦૦ સભ્યો છે. સવારે સરકાર પાસે ૧૦૪ ધારાસભ્યો હતા અને બીજા ત્રણ ધારાસભ્યોએ સાથ છોડતા આ સંખ્યા ૧૦૦ સુધી પહોંચી છે. સોમવારે ગેહલોત તમામ ધારાસભ્યોને રિસોર્ટમાં લઇ ગયા હતા.
૩. પાયલટના બળવા પહેલા કોંગ્રેસના પોતાના ૧૦૭ ધારાસભ્યો ઉપરાંત ૧૩ અપક્ષ અને પાંચ નાની પાર્ટીના સભ્યો હતા. હવે કોંગ્રેસના સભ્યો ૯૦ થઇ ગયા છે. સાત અપક્ષ અને ત્રણ નાની પાર્ટીના સભ્યો મળીને તેની પાસે સંખ્યા ૧૦૦ બચી છે. સચિન પાયલટની છાવણીમાં ૧૭ કોંગ્રેસ અને ત્રણ અન્ય મળીને ૨૦ સભ્યો છે.
૪. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે ધારાસભ્યોએ કોંગ્રેસને સમર્થન પરત ખેંચ્યું છે. તેમાંથી એક ધારાસભ્ય રાજકુમાર રોતે આરોપ લગાવ્યો છે કે, જયપુર જતા પોલીસે તેમને રોક્યા હતા અને કારની ચાવી છીનવી લીધી હતી. આ અપહરણ જેવી સ્થિતિ છે.
૫. કોંગ્રેસમાં ઉકળી રહેલા લાવાને દૂરથી જોઇ રહેલા ભાજપે મંગળવારે પ્રથમવાર બોલવાનું શરૂ કર્યું છે. પાર્ટીએ ઓમ માથુરને જયપુર મોકલ્યા છે અને બેઠક કરવા કહ્યું છે. તેમણે ફ્લોર ટેસ્ટ વિશે કહ્યું કે, સચિન પાયલટ કહે તો ફ્લોર ટેસ્ટ થાય.
૬. અશોક ગેહલોત પોતાની સરકારને તોડી પાડવાના પ્રયાસો કરનારા સચિન પાયલટ અને તેમના બળવાખોર સાથીદારો સામે પગલાં લેવાની તરફેણ કરી રહ્યા હતા.
૭. કોંગ્રેસના ઘણા નેતાઓએ પગલાં લેતા પહેલા પાયલટનો સંપર્ક સાધવાના પ્રયાસ કર્યા જેને તેણે દુઃખદ ગણાવ્યું છે. સોમવારે રાતે રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, સચિન પાયલટ અને અન્ય ધારાસભ્યો માટે દરવાજા ખુલ્લા છે. તેઓને સાભળવામાં આવશે અને મુદ્દો ઉકેલાશે. આ પાર્ટીની પરંપરા છે.
૮. સચિન પાયલટે તેઓ ભાજપના સંપર્કમાં હોવાના કોંગ્રેસના દાવાને ફગાવ્યો હતો. પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે મધ્યપ્રદેશ જે રીતે જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપે ઉતાર્યા હતા તે જ રીતે અહીં પાયલટને ઉતાર્યા છે.
૯. રાજસ્થાનમાં હાલ ૭૩ ધારાસભ્યોવાળા ભાજપને સત્તા ઝૂંંટવી લેવા માટે વધુ ૩૫ ધારાસભ્યોની જરૂર છે.
૧૦. રાજસ્થાનમાં કોંગ્રેસે ૨૦૧૮માં સત્તા સંભાળી છે ત્યારથી ગેહલોત અને પાયલટ વચ્ચે ચકમક ઝરે છે. આ મામલો ત્યારે ગંભીર બન્યો જ્યારે ગત મહિનાની રાજયસભા ચૂંટણીમાં સરકારને અસ્થિર કરવા માટેના પ્રયાસોની તપાસમાં પાયલટને સરકાર તરફથી સમન્સ મોકલાયું હતું. જ્યારે ગેહલોતે કહ્યું કે, મને પણ સમન્સ મોકલાયું છે.

મુખ્યમંત્રી ગેહલોત વિધાનસભામાં બહુમતી સાબિત કરે, ભાજપની ફ્લોરટેસ્ટની માગ

રાજસ્થાનમાં કોંગ્રેસની આગેવાનીવાળી અશોક ગેહલોત સરકાર પર બળવાનું સંકટ ઘેરાયું છે. પાયલટ અને તેમના સમર્થકોને કેબિનેટમાંથી કાઢ્યા બાદ ગેહલોતે દાવો કર્યો છે કે, તેમની પાસે સંપૂર્ણ બહુમતી છે. આ અંગે વિપક્ષ ભાજપે માગ કરી છે કે, ગેહલોત સરકાર વિધાનસભામાં બહુમતી સાબિત કરીને બતાવે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, ધારાસભ્યોને પોલીસ જાપ્તામાં રાખવામાં આવ્યા છે જ્યારે બીટીપીના બે ધારાસભ્યોને ધમકી અપાઇ છે. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું છે કે, પહેલા સરકાર ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરે પછી તેઓ કેબિનેટમાં ફેરફાર કરે.