દેશહિતમાં, રાજ્યના હિતમાં, રાજ્યના લોકોના હિતમાં અને લોકશાહી બચાવવા માટે
આપણે બધું ભૂલીને આગળ વધવું જોઇએ : જેસલમેરમાં ગેહલોતનું ધારાસભ્યોને આહ્‌વાન

અમે બળવાખોર નથી અને પાર્ટી વિરૂદ્ધ કશું જ કર્યું નથી, આ એક ટેસ્ટ મેચ હતી અને તે હવે ડ્રો થતાં અમે પેવેલિયનમાં પરત ફર્યા છીએ : ટીમ પાયલટ
(એજન્સી) જયપુર, તા. ૧૨
સચિન પાયલટની રાહુલ-પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત બાદ રાજસ્થાનમાં બળવાખોરીનો અંત આવવાની કોંગ્રેસે જાહેરાત કર્યાના બે દિવસ બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કૂણા પડ્યા છે. અશોક ગેહલોત જેસલમેરની હોટેલમાં રોકાયેલા પોતાના ધારાસભ્યોને મંગળવારે મોડી સાંજે મળ્યા હતા અને કહ્યું હતું કે, સમજૂતી બાદ તેઓ ખરેખર હતાશ થયા છે પરંતુ દરેકે આગળ વધવાનું છે. હવે બધું ભૂલી જાવ અને માફ કરો તથા આગળ વધો. મુખ્યમંત્રીએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, ધારાસભ્યો માટે આ ખરેખર હતાશાજનક હતું. આ પ્રકરણમાં જે રીતનું વર્તન હતું અને એક મહિના સુધી અન્યત્ર સ્થળે રોકાવું પડ્યું તે ખરેખર હતાશાજનક હતું. મેં તેમની સમક્ષ ખુલાસો કર્યો કે, જો આપણે દેશ, રાજ્ય, લોકોની સેવા કરવા અને લોકશાહીને બચાવવા માગતા હોય તો કેટલીકવાર આપણે સહિષ્ણુ બનવાની જરૂર પડે છે. આ પહેલા પાયલટ જૂથના ધારાસભ્ય વિશ્વેન્દ્રસિંહે કહ્યું હતું કે, આ એક ટેસ્ટ મેચ હતી જે ડ્રો થઇ છે. અમે બળવાખોર નથી અને પાર્ટી વિરૂદ્ધ કોઇ કામ કર્યું નથી. મેં મજાકમાં કહ્યું કે આ એક ટેસ્ટ મેચ હતી અને તે હવે ડ્રો થઇ ગઇ છે ઉપરાંત અમે હવે ફરી પેવેલિયનમાં પરત ફરી ગયા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, આપણે ભૂલોને માફ કરવું જોઇએ. આ લોકશાહી માટે છે. લોકશાહી હાલ જોખમમાં છે. ૧૦૦થી વધુ ધારાસભ્યો મારી સાથે ઉભા રહ્યા. આ પોતાની રીતે નોંધપાત્ર ઘટના છે. આ લડત લોકશાહી બચાવવાની છે અને કર્ણાટક અને મધ્યપ્રદેશમાં જે કર્યું તે રાજસ્થાનમાં કરવામાં ભાજપ નિષ્ફળ નિવડ્યું છે. અમે લોકશાહી બચાવવા માટે સંગઠિત રહીશું. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરૂદ્ધ એક મહિના સુધી કરેલા બળવાનો સચિન પાયલટે અંત લાવ્યો છે. બળવાના એક મહિના બાદ સચિન પાયલટ પ્રથમવાર જયપુરપરત ફર્યા ત્યારે ગેહલોત જેસલમેરમાં તેમનાથી દૂર જેસલમેરમાં હતા. હવે શુક્રવારે વિધાનસભાના ખાસ સત્ર દરમિયાન આ નેતાઓ મળે તેવી શક્યતાઓ છે. પાયલટે એક દિવસ પહેલા કહ્યું હતું કે, નિકમ્મા શબ્દથી તેઓને દુઃખ થયું છે. તેમણે કહ્યું કે, કેટલીક અસંસદીય અને અયોગ્ય ભાષાનો ઉપયોગ કરાયો છે. હું નારાજ નથી તેવું ના કહી શકું. હું પણ માણસ છું. મને દુઃખ થયું છે અને હતાશ છું પરંતુ અમારે લાંબી લડત લડવાની છે અને નામ લેવું યોગ્ય નથી. ગેહલોતે બીજી તરફ કહ્યું હતું કે, જો પાર્ટી નેતાગીરીએ બળવાખોરોને માફ કરવાનો નિર્ણય લીધો છે તો અમે પણ તેમને ગળે લગાવીશું.

ટીમ પાયલટની વાપસીથી ગેહલોત છાવણીમાં નારાજગી : કોંગ્રેસ નેતા
કોંગ્રેસના એક નેતાએ કહ્યું છે કે, અશોક ગેહલોતોની છાવણીના ધારાસભ્યોએ મંગળવારે સચિન પાયલટ અને અન્ય બળવાખોર ધારાસભ્યોની વાપસી અંગે નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ અશોક ગેહલોતે કહ્યું છે કે, તેમને પાર્ટી હાઇકમાન્ડ અને તેના નિર્ણયો પર પૂરો વિશ્વાસ છે. દિલ્હીમાં પાર્ટી નેતૃત્વને ધારાસભ્યોની લાગણીથી વાકેફ કરાયું છે. મંગળવારે રાતે વિધાન પરિષદની બેઠક બાદ મુખ્ય વ્હીપ મહેશ જોશીએ કહ્યું હતું કે, અનેક ધારાસભ્યોએ પાયલટ જૂથની વાપસીને લઇ નારાજગી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, પાર્ટી નેતૃત્વ અને તેમના નિર્ણય પર ભરોસો છે. અમારી સાથે રહેલા કોઇપણ ધારાસભ્યના હિતો સાથે સમજૂતી નહીં થાય. પાયલટ અને તેમના સમર્થકોની વાપસી દરમિયાન અપાયેલા તેમણે વિરોધ નોંધાયો છે. મુખ્યમંત્રીએ તેમને શાંત રહેવા કહ્યું છે. સમર્થન આપનારા ધારાસભ્યોનો ગેહલોતે આભાર માન્યો છે અને એકતા સાથે હોટેલમાં રહેવા કહ્યું છે.