(એજન્સી)                                     નવી દિલ્હી, તા. ૧૦

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત બાદ સચિન પાયલટે જણાવ્યું હતું કે, મુદ્દા વૈચારિક હતા અને તેને ઉઠાવવા જરૂરી હતા. રાજસ્થાનમાં સચિન પાયલટના બળવા અને રાજ્ય સરકાર પર ઘેરાયેલા સંકટના વાદળો હવે છંટાવા લાગ્યા છે. સોમવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ સચિન પાયલટ બળવાનો માર્ગ ત્યજીને સુલેહના માર્ગે ચાલી પડ્યા છે. સોમવારે સચિન પાયલટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષરાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસે પણ સચિન પાયલટ સાથે સમજૂતીની પુષ્ટી કરી હતી. કોંગ્રેસે કહ્યું છે કે, સચિન પાયલટની ફરિયાદો દૂર કરવા માટે ત્રણ સભ્યોની કમિટી બનાવાઇ છે. રાજસ્થાનમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે સચિન પાયલટ તરફથી કમિટી ફરિયાદો સાંભળશે. આ મુલકાતમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. પાયલટ કેમ્પના સૂત્રે કહ્યું છે કે, રાહુલ ગાંધીએ દરેક ફરિયાદ દૂર કરવાનું આશ્વાસન આપ્યું છે. એવું પણ કહ્યું છે કે, હજુ પણ મુલાકાતનો દોર ચાલુ રહેશે. આ મુલાકાતમાં એ કડવાશને પણ દૂર કરવાનો પ્રયાસ કરાશે જેના કારણે ગેહલોત સરકાર પર સંકટના વાદળો ઘેરાયા હતા.

ગત મહિને પાર્ટીમાંથી બળવો પોકાર્યા બાદ સચિન પાયલટ પ્રથમવાર રાહુલ ગાંધી અને પ્રિયંકાને મળ્યા હતા જ્યારે કોંગ્રેસે રાજસ્થાનમાં અશોકગે હલોતની આગેવાનીવાળી સરકારને સંકટમાં મુકનારી કટોકટીમાં સફળતાના સંકેતો ગણાવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠક રાહુલ ગાંધીના નિવાસે મળી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સચિન પાયલટની ફરિયાદો અંગે પાર્ટીની એક પેનલ તપાસ કરશે ઉપરાંત અશોક ગેહલોતની સરકાર ચલાવવાની શૈલી સહિતના રાજસ્થાન સરકારના મુદ્દાઓ પર ધ્યાન આપવા રાહુલ અને પ્રિયંકા સહમત થયા છે. ઘરવાપસી પાયલટને રાજસ્થાનમાં તેમના છીનવી લેવાયેલા બે હોદ્દા નાયબ મુખ્યમંત્રી તથા રાજ્યના કોંગ્રેસ પ્રમુખનો પદ પરત મળે તેવી શક્યતા છે. બે કલાક ચાલેલી આ બેઠકને પાયલટ ટીમે ‘‘મનની બેઠક’’ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, પાયલટ છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ નેતાગીરી સાથે સંપર્કમાં હતા અને વધુ પ્રભાવી રીતે રાહુલ અને પ્રિયંકા સાથે વાતચીતના દ્વાર ખુલ્લા રખાયા હતા.  ઘટના સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, પાયલટની સાથે પ્રિયંકા ગાંધીએ બે અઠવાડિયા પહેલા દિલ્હી એનસીઆરમાં સામાન્ય સ્થળે મુલાકાત કરી હતી. અને તે પહેલા પણ અનેક સ્તરે વાતચીત ચાલુ હતી. પ્રિયંકા ગાંધીના ગત મહિને સચિન પાયલટને શાંત કરવાના પ્રયાસોના પરિણામ આવ્યા ન હતા જેમાં તેમણે સચિન પાયલટને રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરાવવાની બાંહેધરી આપી હતી પરંતુ બળવાખોર નેતાએ ત્યારે જ્યાં સુધી અશોક ગેહલોત રાજીનામું ન આપે ત્યાં સુધી કોઇપણ બેઠક કરવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ સચિન પાયલટ જૂથ અને ટીમ પ્રિયંકા વચ્ચે બેઠકમાં શું ચર્ચા થઇ હતી જેના દાવાઓ કરાયા હતા. સચિન પાયલટની ઘરવાપસી તરીકે જોવાઇ રહેલી આ બેઠક રાજસ્થાન વિધાનસભા સત્ર શરૂ થવાના ચાર દિવસ પહેલા જ યોજાઇ છે. ગયા મહિને આ મુદ્દો ત્યારે ચગ્યો જ્યારે કોંગ્રેસ અને સરકાર સાથે પક્ષપલટો કરવા માટે ધારાસભ્યોની પૂછપરછ કરવા માટે મુખ્યમંત્રીએ ધારાસભ્યોને એસઓજી પાસે નોટિસ ફટકારી હોવાના અહેવાલ મળતા અશોક ગેહલોત અને પાયલટ વચ્ચેને ગજગ્રાહ સપાટી પર આવ્યો હતો.