કોંગ્રેસના સિનિયર નેતા રણદીપ સૂરજેવાલાએ સોમવારે જણાવ્યું હતું કે, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ અને તેમના ધારાસભ્યો માટે પાર્ટીના દરવાજા ખુલ્લા છે. જયપુરમાં મીડિયા પર આરોપ લગાવતા સુરજેવાલાએ કહ્યું કે, પાયલટ કહી શકે છે કે, ક્યારે તેઓ કોંગ્રેસ વિધાન પરિષદની બેઠકમાં સામેલ થશે. પાયલટ અને તેમના ધારાસભ્યો માટે અમારા દરવાજા ખુલ્લા જ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ કટોકટી ઉકેલવાની ઇચ્છા ધરાવે છે. સુરજેવાલાએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ૪૮ કલાકમાં અમે પાયલટ સાથે વાત કરવાના પ્રયાસો કર્યા છે, તેઓ અમારી પાસે આવીને તેમના મંતવ્યો દર્શાવી શકે છે. પાયલટ કોંગ્રેસ પરિવારના સભ્ય છે અને તેઓ પોતાના ઘરે કોઇપણ સમયે પરત આવી શકે છે તેમ કહેતા સુરજેવાલાએ ઉમેર્યું હતું કે, સરકાર રચવા માટે અમે ભાજપને કોઇ તક આપવા માગતા નથી. જો તેઓ કોઇ કારણસર ગુસ્સે હશે તો અમે તેમને મનાવીશું. ગુસ્સો આવે ત્યારે કોઇપણ પોતાનું ઘર અને પરિવાર છોડતા નથી.