(એજન્સી) જયપુર, તા.૧
રાજસ્થાનમાં યોજાયેલ ત્રણ પેટાચૂંટણીઓમાં ભાજપની કારમી હાર બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સચિન પાયલોટે મુખ્યમંત્રી વસુંધરા રાજ સિંધિયાનું નૈતિકતાના ધોરણે રાજીનામું માંગ્યું છે.
અજમેર, અલવર લોકસભાની બે બેઠકો તેમજ માંડલગઢ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જંગી મતોથી વિજયી થયા હતા. આ પરિણામો પ્રદેશ અને દેશની રાજનીતિ પર અસર પાડશે. રાજ્યમાં ૪ વર્ષના ભાજપના કુશાસન અને જીએસટી-નોટબંધીનો લોકોએ પ્રચંડ વિરોધ કર્યો હતો. સચિન પાયલોટે કહ્યું કે, ખાસ કરીને યુવા મતદારોમાં મોદીનો ભ્રમ ભાંગી ગયો છે. તેમણે કોંગ્રેસ તરફી મતદાન કર્યું. જાતની ત્રણ બેઠકો રાહુલ ગાંધીને ભેટરૂપે આપી છે. હવે કોંગ્રેસની જવાબદારી વધી ગઈ છે. તે જનતા વચ્ચે જઈ લોકોનો અવાજ ભાજપ સામે ઉઠાવે. પાયલોટે કહ્યું કે, ભાજપે તંત્રનો ચૂંટણીમાં દુરૂપયોગ કરવામાં કસર રાખી નથી. ધર્મ-જાતિના ધ્રુવીકરણની ભાજપની નીતિને મતદારોએ ફગાવી દીધી.