(એજન્સી) તા.૯
આત્મહત્યા દ્વારા મેડિકલ ડો.પાયલ તડવીના મૃત્યુના કેસમાં હજુ ખટલાની કાર્યવાહી શરુ થનાર છે પરંતુ દરમિયાન ત્રણ આરોપી ડોક્ટરોએ ગાયનેકોલોજીમાં પોતાનો અનુસ્નાતક અભ્યાસ પૂરો કરવા માટે કોલેજમાં પરત જવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં આરોપીઓની સ્પેશિયલ લીવ પિટિશનનો સખત વિરોધ કર્યો છે અને એન્ટી-રેગિંગ કમિટીના રિપોર્ટ પર આધાર રાખ્યો છે કે જેમાં આરોપીઓને પાયલ તડવી પર ત્રાસ ગુજારીને તેમને હેરાન કરવા માટે દોષિત જાહેર કરવામાં આવ્યાં હતા.
મુંબઇ પોલીસ અને રાજ્યના મેડિકલ એજ્યુકેશન એન્ડ ડ્રગ્ઝ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલ બે અલગ અલગ એફિડેવિટમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આરોપી તબીબોની માગણી વિચારણાને પાત્ર નથી અને તેઓ જે કોલેજમાં એક વખત અભ્યાસ કરતાં હતાં તે કોલેજમાં આરોપીઓ વિરુદ્ધ શત્રુતાની ગંભીર ભાવના પ્રવર્તે છે. બોમ્બે હાઇકોર્ટે રાહત આપવાનો ઇન્કાર કર્યા બાદ ત્રણ આરોપી-હેમા આહુદા, ભક્તિ મેહારે અને અંકિતા ખંડેલવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
પાયલ તડવીના આ ત્રણેય આરોપી ડોક્ટરો બીવાયએલ નાયર હોસ્પિટલ દ.મુંબઇમાં સિનિયર તરીકે કામ કરતાં હતાં અને તેમણે અદાલતને એવી અપીલ કરી હતી કે તેઓ ડોક્ટરો છે અને તેથી કોરોના વોરિયર્સ પણ છે અને તેથી તેમને રાષ્ટ્રની સેવા માટે તેમને આગળ અભ્યાસ કરવા દેવા માટે મંજૂરી આપવી જોઇએ. આરોપીએ જો એ જ કોલેજમાં અભ્યાસ શક્ય ન હોય તો બીજી કોલેજમાં ટ્રાન્સફર કરવાની પણ માગણી કરી હતી.
કેસની સુનાવણી ૮, સપ્ટે.ના રોજ નિર્ધારીત હતી, પરંતુ હવે ૧૪, સપ્ટે. પર મોકૂફ રાખવામાં આવી છે. આરોપીઓ વતી હાજર રહેલ સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ સુપ્રીમ કોર્ટમાં એવું સૂચન કર્યુ હતું કે જે તેઓ બીવાયએલ નાયર હોસ્પિટલમાં તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે તેમ ન હોય તો બીએમસી હેઠળ ચાલતી ત્રણ પૈકી કોઇ પણ એક કોલેજમાં તેમને સ્થળાંતર કરવાની મંજૂરી આપવામાં આવે પરંતુ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને તડવીના માતા આબેદા તડવીએ આ રજૂઆતનો વિરોધ કર્યો હતો.
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રૂલ બુકને વળગી રહી હતી અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને એક કોલેજમાંથી બીજી કોલેજમાં ટ્રાન્સફર આપી શકાય નહીં જ્યારે આબેદા તડવી પોતાના સિનિયર એડવોકેટ ઈન્દિરા જયસિંહ દ્વારા એવી રજૂઆત કરી હતી કે આ વ્યવસ્થાની હજુ શરુ થનારી ખટલાની કાર્યવાહી પર વિપરીત અસર પડશે.