(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
ભેદી મોતનાં ચકચારી પ્રકરણમાં પારૂલ યુનિર્વસીટીના કૌભાંડને ખુલ્લો પાડતા મૃતક હરિશભાઇ રાણાનાં લેટર બોમ્બ અને ત્રણ પેનડ્રાઇવ પોલીસે ગુરૂવારની રાત્રે મૃતકનાં ઘરેથી કબજે કરી તપાસ હાથ ધરી છે.
પારૂલ યુનિ.માં છેલ્લાં સાત વર્ષથી ફરજ બજાવતા હરિશ ઇશ્વરભાઇ રાણા (રહે. ટાગોરનગર, જુના પાદરા રોડ)નો મૃતદેહ તા.૨૦મીએ રાત્રે કમાટીબાગ પાસેથી રહસ્યમય હાલતમાં કારમાંથી મળી આવવાનાં બનાવમાં પોલીસને હજુ કોઇ નક્કર વિગતો મળી નથી. હરિશ રાણા ખુબજ ટેન્શનમાં રહેતાં હતા અને તેમણી પાસે ખોટા કામો કરાવવામાં આવી રહ્યાં હોવાની વિગતો તેમણા મોબાઇલમાંથી મળેલા આઠ પાનનાં લેટર બોમ્બમાંથી મળી છે. તેમણે પેનડ્રાઇવમાં તમામ કૌભાંડોની વિગતો લીધી હોવાનું પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આમ પારૂલ યુનિ. કૌભાંડોનાં કાચા ચિઠ્ઠા ખુલ્લી પાડતી હરિશ રાણાની પેનડ્રાઇવ અને મોબાઇલમાં ફોટા પાડી દીધેલા આઠ પાનનો અસલ પત્ર ખુબજ મહત્વનાં બની રહે તેમ હોઇ, અને હરિશભાઇએ આ પુરાવા પોતાની બેગમાં મુકયા હોવાનું લખેલું હોઇ સયાજીગંજ પોલીસે ગુરૂવારની રાત્રે મૃતકનાં ઘરે જઇ તેની બેગમાંથી ત્રણ પેનડ્રાઇવ અને અસલ પત્ર કબ્જે કર્યા હતા. હરિશના મોતની તપાસ કરતાં સયાજીગંજ પોલીસ મથકનાં પો.સ.ઇ. એસ.એફ. સોનીએ જણાવ્યું હતું કે,મૃત્યુ સંબંધની તપાસ માટે ટુંક સમયમાંજ અમને મૃતકનાં સહકર્મચારીઓ, હેડ અને સત્તાધીશોની પુછપરછ કરીશું, અમે મરનારનો મોબાઇલ ફોન અને કાર પણ તપાસ માટે કબ્જે લીધી છે. આ રહસ્યમય મોતનો ઉકેલ શોધવા ફોરેન્સીક નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે.